આગામી ત્રણ માસમાં કરિયાણાની ૨૦ ટકા, જ્યારે વસ્ત્રોની માગ બાવન ટકા વધશે

મુંબઇ: વર્ષ ૨૦૧૫ની સરખામણીએ ચાલુ વર્ષે તહેવારની સિઝનમાં માગમાં ૪૦ ટકાનો વધારો થશે. ઉદ્યોગ જગતનું સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે આ વખતે ગ્રામીણ વિસ્તારમાંથી માગમાં વધારો થશે. તેની પાછળનાં મુખ્ય કારણમાં સારા ચોમાસાના કારણે ખેડૂતો અને ખેત મજૂરોની આવકમાં વધારો થયો છે.

એસોચેમના અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થામાં જોવા મળેલા સુધારાના કારણે નવી નોકરીઓમાં વધારો થવાની સંભાવના છે. તો બીજી બાજુ નીતિગત વ્યાજના દરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સકારાત્મક આ પરિબળને કારણે ચાલુ વર્ષે દિવાળીના તહેવારની માગમાં ૪૦ ટકાનો વધારો થવાની આશા છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ઓટોમોબાઇલ તેમાં પણ ખાસ કરીને પેસેન્જર કાર, મોબાઇલ તથા તૈયાર વસ્ત્રોનાં બજારમાં વેચાણમાં સુધારો જોવાવાની આશા છે.

હાલ દેશમાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં માગ વધી રહી છે, જ્યારે દેશના ઉત્તરીય રાજ્યોમાં દિવાળીની આસપાસ માગ વધવાથી તેજી આવવાની સંભાવના છે. આગામી ત્રણ મહિનામાં કરિયાણાની માગમાં ૨૦ ટકા, ઓછી કિંમતના ફેશનેબલ વસ્ત્રોની માગમાં ૫૨ ટકાનો વધારો થશે.

You might also like