ગુજરાત ડબલ ડિજિટ એગ્રીકલ્ચર ગ્રોથરેટ સાથે હરિતક્રાંતિનું અગ્રણી બન્યું છેઃ આનંદીબહેન

અમદાવાદ : કૃષિક્ષેત્રે બહુઆયામી આયોજન અને ખેડૂત કલ્યાણ અભિગમની પરિપાટીએ ગુજરાત પાછલા દોઢ દાયકાથી ડબલ ડિજિટ એગ્રીકલ્ચર ગ્રોથ રેટ સાથે હરિતક્રાંતિનું અગ્રણી બન્યું છે. અગાઉના વર્ષોમાં દુકાળગ્રસ્ત રાજ્યમાં ગણના પામતું ગુજરાત આ કૃષિક્રાંતિ ચમત્કારથી કૃષિપ્રધાન રાજ્યોની કક્ષાએ પહોંચ્યું છે, તેમ આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું.

આનંદીબહેન પટેલે રાજસ્થાનના જયપુરમાં ભારતીય કિસાન સંઘ આયોજિત કિસાન મહાસંમેલનમાં ગુજરાતના કૃષિક્રાંતિના સફળ આયામોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું. તેમણે ગુજરાતના નવતર કૃષિ પ્રયોગ એવા કૃષિમહોત્સવની સફળતાની ભૂમિકા આપતાં કહ્યું કે, ખેડૂતોના ખેત ઉત્પાદનમાં બે ગણી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૦૪-૦૫માં રાજ્યવ્યાપી કૃષિમહોત્સવની શૃંખલા શરૂ કરીને કૃષિરથ ગામે-ગામ પહોંચ્યા અને કૃષિવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મળતું થયું.

હવે આ પ્રયોગ ઓપન યુનિવર્સિટી બન્યો છે અને પ્રતિ વર્ષ કૃષિકારો માટે આધુનિક ખેતી, નવિનતમ ટેકનોલોજીના આવિષ્કરણનો છડીદાર બન્યો છે. ૨૦૧૫માં ૮ લાખ ધરતીપુત્રો આ કૃષિમહોત્સવમાં જોડાયા હતા અને ૩ લાખથી વધુ કિસાન લાભાર્થીઓને રૃા. ૪૫ કરોડની કૃષિવિષયક સહાય આ સરકારે પહોંચાડી હતી. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

કૃષિમહોત્સવની જવલંત સફળતાને પગલે જળસંચય, જળસિંચન તથા કૃષિસિંચાઇ માટે પાણીની પર્યાપ્ત ઉપલબ્ધિને પરિણામે વર્ષમાં એક પાક લેતો ખેડૂત હવે બે પાક લેતો થયો છે. આકાશી ખેતી કરતા કિસાનને નવી દિશા આપવા ૨૦૧૪થી રાજ્યમાં રવિ કૃષિમહોત્સવની કડી પણ જોડવામાં આવી છે.

ગત વર્ષે ૨૩૬ તાલુકા મથકોએ યોજાયેલા આવા રવિ કૃષિમહોત્સવોનો લાભ ૨.૭૫ લાખ ખેડૂતોએ લીધો છે. રવિ કૃષિ

મહોત્સવ તહેત રૃા. ૬૧.૩૩ કરોડની કૃષિવિષયક સહાય ૧૬ હજાર ૭૦૦ ખેડૂતોને હાથોહાથ પહોંચાડી છે.ગુજરાતનો આ કૃષિક્રાંતિ ચમત્કાર કૃષિ હિતલક્ષી અભિગમ અને પૂરતી વીજળી, પાણી-સિંચાઇ સહુલિયત તથા જમીનની યોગ્ય વૈજ્ઞાનિક ઢબે ચકાસણીની સોઇલ હેલ્થકાર્ડ જેવી યોજનાઓનો સહિયારો પરિપાક છે. મુખ્યમંત્રી એ પોતે કિસાનપુત્રી છે અને કૃષિ-પશુપાલનનું જે અનુભવ ભાથું તેમની પાસે છે તેના સંસ્મરણો તાજા કર્યા હતાં.

You might also like