મુંબઈની લોકલ ટ્રેનના ડબામાં સાપ દેખાતાં મુસાફરોમાં હોબાળો

મુંબઈ: મુંબઈની ભરચક લોકલ ટ્રેનના પુરુષોના ડબામાં ગઈ કાલે સવારે સાપ દેખાતાં યાત્રીઓમાં હોબાળો મચી ગયો હતો. સાપ માથાની ઉપર લાગેલા હેન્ડલ બાર પર લપેટાયો હતો, જેનો ઉપયોગ સામાન્ય રીતે મુસાફરો મહાનગરોની ટ્રેનોમાં પકડવા માટે કરતા હોય છે.

સાપ સવારે ૮.૩૩ વાગ્યે ટીટવાલા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની લોકલ ટ્રેનમાં થાણે સ્ટેશન પર પહોંચ્યા બાદ જોવા મળ્યો હતો. ભરચક ડબામાં સાપ દેખાયા બાદ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા બધા લોકોએ રેલવે પોલીસને તાત્કાલિક ફોન કર્યા હતા અને મુસાફરો સતર્ક બની ગયા હતા.

થોડા સમય બાદ થાણે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી અને ડબો ખાલી કરાવવામાં આવ્યો. રેલવે અધિકારીઓ અને પોલીસ સાપને પકડવામાં સફળ રહ્યા. સાપને સુરક્ષિત જગ્યા પર લઈ જવાયો. આ ઘટનાના કારણે સવારના સમયની ઘણી બધી ટ્રેન મોડી પડી. બીજી બાજુ સાપની તસવીરો અને વીડિયો વાઈરલ થતાં અન્ય મુસાફરો પણ ભયભીત બન્યા હતા.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવકતા સુનીલ ઉદાસીએ શંકા વ્યક્ત કરી છે કે સાપ દેખાવાની ઘટના કદાચ કોઈ વ્યક્તિ દ્વારા થયેલી શરારત હોઈ શકે છે. શક્ય છે કે કોઈ વ્યક્તિએ લોકોને ડરાવવા માટે સાપ ટ્રેનમાં છોડી દીધો હોય. રેલવે સુરક્ષાદળ અપરાધીઓની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે.

સુનીલ ઉદાસીએ જણાવ્યું કે આ રેક પહેલાં પણ બે યાત્રાઓ પૂરી કરી ચૂકી છે અને કોઈ પણ આવી ઘટના આજ સુધી બની નથી. આ અમારી ત્રીજી યાત્રા હતી અમે તમામ વીડિયો અને તસવીરોને જોઈ રહ્યાં છીએ, જેથી ખ્યાલ આવે કે સાપ અચાનક આટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચ્યો. અપરાધીઓની ભાળ મળતાં તેમને સજા કરવામાં આવશે.

You might also like