ગ્રીન અમદાવાદ માટે ૯૦ લાખના ખર્ચે ૨૦ હજાર ટ્રીગાર્ડ ખરીદાશે

અમદાવાદ: ગઇ કાલે અમદાવાદમાં ચોમાસાનાં પગરણરૂપે વરસાદ પડયો હતો.કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા હતા. જોકે વર્ષાઋતુના આગમનને પગલે હવે કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ હેતુ ફ્રી ગાર્ડ ખરીદીનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ વર્ષે ચૂંટાયેલી પાંખ માટે રૂ. ૯૦ લાખને ખર્ચે ર૦ હજાર ટ્રી ગાર્ડ ખરીદાશે.

કોર્પોરેટર, ધારાસભ્ય અને સંસદસભ્ય પોત પોતાના મત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ટ્રી ગાર્ડની ખરીદી માટે તંત્રમાં બજેટ ફાળવે છે. ચૂંટાયેલી પાંખનાં બજેટને આધારે સત્તાવાળાઓ રોપા સહિતનાં ટ્રી ગાર્ડ પૂરાં પાડે છે. જોકે કોર્પોરેશનમાં જૂનાં ટ્રી ગાર્ડનો નવેસરથી રંગીને ફરી ફરીને ઉપયોગમાં લેવાતાં કે ‘કાગળિયા’પર ટ્રી ગાર્ડની સંખ્યા બતાવવાનાં કૌભાંડની નવાઇ નથી.

આ અંગે મ્યુનિ. બાગ બગીચાના વડા જિજ્ઞેશ પટેલ કહે છે કે, ગત વર્ષના ટ્રી ગાર્ડની તુલનામાં આ વખતના ટ્રી ગાર્ડમાં જે ફેરફાર કરાયા છે તેના આધારે અમે જૂનાં ટ્રી ગાર્ડને ઓળખી કાઢીશું.

આગામી તા.રપ જૂનથી કોર્પોરેટર, ધારાસભ્ય અને સંસદસભ્ય પાસેથી કોર્પોરેશન ટ્રી ગાર્ડનાં બજેટ મગાવશે. બાગ બગીચા વિભાગ પાસે ગત વર્ષના ૬૦૦૦ ટ્રી ગાર્ડનો જથ્થો જમા હોઇ આમાંથી ‌નિકોલ, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારો માટે ટ્રી ગાર્ડની ફાળવણી કરાશે. આ વખતે લોખંડના ભાવ ઘટયા હોઇ ટ્રી ગાર્ડની સરેરાશ કિંમત રૂ.૪પ૦થી પ૦૦ની વચ્ચે પડશે તેવો દાવો પણ સત્તાવાળાઓએ કર્યો છે. પાછલાં વર્ષોમાં એક ટ્રી ગાર્ડ રૂ.૬પ૦થી વધુ કિંમતમાં ખરીદાયું હતું.

You might also like