ગ્રીન અમદાવાદનું ધુપ્પલ: લાખો રૂપિયાના ખર્ચે ખરીદાતાં ટ્રીગાર્ડ આખરે જાય છે ક્યાં?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કૌભાંડોની નવાઈ નથી. કોર્પોરેશનમાં જો ભ્રષ્ટ નીતિ-રીતિ પર લગામ કસાઈ હોત તો અમદાવાદ ક્યારનુું ‘ગ્રીન અમદાવાદ’ બનીને ઉનાળાની અાવી કાળઝાળ ગરમીમાં શેકાતા નાગરિકોને લીલાંછમ વૃક્ષોની શીતળ છાંય અાપી શક્યું હોત, પરંતુ અાજે પણ ‘ગ્રીન અમદાવાદ’નાં ધુપ્પલ ચલાવાય છે, કેમ કે વૃક્ષારોપણ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ‘ટ્રીગાર્ડ’ ખરીદાતાં હોવા છતાં જે પ્રકારે શહેરમાં સિમેન્ટ-કોંક્રીટનું જંગલ ફેલાયું છે તેને જોતાં અા ટ્રીગાર્ડ જાય છે ક્યાં તેવો પ્રશ્ન જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

શહેરને ‘ગ્રીન અમદાવાદ’ બનાવવાનાં બણગાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ડ્રાફ્ટ બજેટમાં પણ મ્યુનિ. કમિશનર ડી. થારાઅે ફૂંક્યાં છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા બહુ બિહામણી છે. અમદાવાદમાં માત્ર ૬.૧૮ લાખ વૃક્ષો છે એટલે કે માત્ર ૪.૬૬ ટકા વિસ્તારમાં હરિયાળી છે. ‘છોડમાં રણછોડ’ જેવાં સૂત્રો વહેતાં કરીને શાસકો નાગરિકોને મૂર્ખ બનાવતા અાવ્યા છે, કેમ કે જે છોડના જતન માટે ‘ટ્રીગાર્ડ’ ખરીદાય છે તેમાં જ મોટું કૌભાંડ ચાલે છે.

છેલ્લાં દસ વર્ષથી ટ્રીગાર્ડની ખરીદી પાછળ મ્યુનિ. તિજોરીમાંથી અાશરે રૂ. ૬.૫૦ કરોડ ખર્ચાયા છે એટલે કે દોઢ લાખથી વધારે ટ્રીગાર્ડની ખરીદી કરાઈ છે, જે પૈકી અાજે શહેરમાં માંડ પચાસેક હજાર ટ્રીગાર્ડ નજરે ચઢે છે! અાના કારણે મોટો પ્રશ્ન અે ઉપસ્થિત થાય છે કે બાકીનાં ટ્રીગાર્ડ ક્યાં ગાયબ થયાં? શું ટ્રીગાર્ડની ખરીદી ‘ફક્ત કાગળિયા’ પર જ થઈ?

મ્યુનિ. રિક્રીઅેશનલ કમિટીમાં દર વર્ષે ટ્રીગાર્ડની ખરીદીના ચોમાસા પહેલાં લાખો રૂપિયાના અંદાજ મુકાય છે. અા અંદાજથી વધુનાં ટેન્ડર બહાર પડે છે! અગાઉની ‘ગોઠવણ’ મુજબ ટ્રીગાર્ડનો કોન્ટ્રાક્ટ લાગતીવળગતી કંપનીને અપાઈ જાય છે. અા કંપનીઅો પણ દર વર્ષે લોખંડના ભાવ વધ્યાનું બહાનું બતાવીને ટ્રીગાર્ડનો ભાવ વધારતી જાય છે. અનેક વાર જૂનાં ટ્રીગાર્ડને ‘રંગરોગાન’ કરીને કૌભાંડીઅો પાછો તેનો ઉપયોગ કરીને ‘રોકડી’ પણ કરી લેતા અાવ્યા છે!

અાગામી ચોમાસા માટે મ્યુનિ. બાગ-બગીચા વિભાગે રૂ. ૪૬ લાખથી વધારેના ખર્ચે ટ્રીગાર્ડ ખરીદવાનો અંદાજ મૂક્યો છે, જેને મ્યુનિ. રિક્રીઅેશન કમિટીએ અધિકારીઅો પાસે અત્યાર સુધીના ટ્રીગાર્ડનો ‘હિસાબ-કિતાબ’ પૂછ્યા વિના અાંખ મીંચીને મંજૂર પણ કરી દીધો છે. હવે અંદાજ અધારિત ટેન્ડર કાઢીને પસંદગીના કોન્ટ્રાક્ટરોને કમાણી કરી અાપવામાં અાવશે.મ્યુનિ. બાગ-બગીચાના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલ કહે છે, મોટા ભાગનાં ટ્રીગાર્ડનું અાયુષ્ય ત્રણ વર્ષનું હોય છે એટલે અા સમયગાળામાં કાં તો ટ્રીગાર્ડ અાપોઅાપ તૂટી જાય છે અથવા તો ઝાડ મોટું થવાથી તેને કાઢી નાખવું પડે છે, જેના કારણે શહેરમાં ટ્રીગાર્ડની સંખ્યામાં વધ-ઘટ થતી રહે છે!

લેભાગુ તત્ત્વો જૂનાં ટ્રીગાર્ડને ફરીથી ‘રંગરોગાન’ કરીને ‘‌િરપીટ’ ન કરે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે ટ્રીગાર્ડની ડિઝાઈનમાં નાના સરખા ફેરફાર કરાય છે, જેના કારણે ‘ક્રોસ ચે‌િકંગ’માં જૂનાં ટ્રીગાર્ડ પકડી શકાયાં, જોકે જિજ્ઞેશ પટેલે એવાે પણ દાવો કર્યો છે કે હજુ સુધી ક્રોસ ચે‌િકંગમાં જૂનાં ટ્રીગાર્ડ પકડાયાં નથી!

You might also like