ગ્રીન એકશન પ્લાન હેઠળ શિવાલયોમાં બીલીના વૃક્ષ વવાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ચોમાસા દરમ્યાન શહેરની હરિયાળીમાં તેવી જ રીતે રસ્તાઓની શોભામાં વધારો કરવાના આશયથી ‘ગ્રીન એકશન પ્લાન’ની જાહેરાત કરાઇ છે. મેયર ગૌતમ શાહે પ્રકૃતિ પ્રેમીઓ સાથે બેઠક યોજીને તેમનાં સૂચનો મેળવ્યાં હતાં. આ સૂચનોનાં આધારે તૈયાર કરાયેલા ગ્રીન એકશન પ્લાન હેઠળ શહેરમાં પ્રથમ વખત દેવાધિદેવ મહાદેવનાં શિવાલયો ફરતે બીલીનાં વૃક્ષ અને પીપળા જેવાં વૃક્ષોની રોપણી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

શહેરના મેયર ગૌતમ શાહ શિવાલયો ફરતે બીલીનાં વૃક્ષોનાં વૃક્ષારોપણ સંર્દભે વધુ માહિતી આપતાં કહે છે, ગ્રીન એકશન પ્લાન હેઠળ શિવાલયો ફરતે બીલીનાં વૃક્ષોનાં વૃક્ષારોપણના કાર્યક્રમને આવરી લેવાયો છે. પ્રકૃતિપ્રેમીઓ માટે યોજાયેલી બેઠકમાં શિવાલયો ફરતેબીલીનાં વૃક્ષોનાં વૃક્ષારોપણનું સૂચન પ્રકૃતિપ્રેમીઓએ કર્યું હતું.

શહેરના અત્યાર સુધીમાં ૧૧૦ શિવાલયોનો બીલીનાં વૃક્ષોનાં વૃક્ષારોપણ અંગે પત્ર પાઠવીને સંપર્ક થઇ ચૂક્યો છે. જેમાં તમામ પ્રસિદ્ધ શિવાલયોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ વધુ ને વધુ શિવાલયોનો પત્ર પાઠવીને સંપર્ક કરાશે. જે તે શિવાલયની બીલીનાં વૃક્ષોનાં સંખ્યા અંગેની માગણી મેળવ્યા બાદ કોર્પોરેશનના પ્રભારી પ્રધાન શંકર ચૌધરીના હસ્તે શિવાલયોમાં બીલીનાં વૃક્ષોનાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે તેમ મેયર ગૌતમ શાહ વધુમાં જણાવે છે.

You might also like