ગ્રીકનાં બે જંગલમાં આગઃ છ મહિનાના બાળક સહિત ૨૪ લોકોનાં મોત થયાં

એથેન્સ: ગ્રીકના પાટનગર એથેન્સ નજીકના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતાં ૧૦૦ મકાન ખાખ થઈ ગયાં હતાં, જેમાં ૨૪ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાં ૧૬થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

આ ઘટના અંગે યુનાનના સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે એથેન્સથી ૪૦ કિમી ઉત્તર-પૂર્વના માતી-કેસીના રિસોર્ટ પાસે આ ઘટના બની છે. આ ઘટના બાદ આગમાં ભડથું થઈ ગયેલા મોટા ભાગના લોકોના મૃતદેહને મકાનો અને કારમાંથી બહાર કાઢવામા્ આવ્યા હતા, જોકે આ આગની ઘટનામાં ૧૬માંથી ૧૧ બાળકોની હાલત વધુ ગંભીર છે. ગ્રીકે આ અંગે મદદ માટે પાડોશી દેશોને મદદ માટે અપીલ કરી છે.

આ આગની ઘટનામાં ઘવાયેલા લોકો પૈકી ૬ મહિનાના એક બાળકનું ધુમાડાના કારણે મૃત્યુ થયું છે. આગ એટલી વિકરાળ છે કે જેના કારણે દૂર-દૂર સુધી આકાશમાં ધુમાડા નીકળતા જોવા મળી રહ્યા છે. એથેન્સ આસપાસનાં ગામો પણ આગની લપેટમાં આવી ગયા છે, જોકે આગ હજુ કાબૂમાં આવી ન હોવાથી હાલ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

You might also like