દેશનો એક વર્ગ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મો ઈચ્છે છે

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નિર્ધારિત રિલીઝ તારીખ રર જુલાઈને બદલે એક વીક અગાઉ ૧પ જુલાઈએ જ રિલીઝ કરવામાં આવી. ફિલ્મની સેન્સર કોપી ઓનલાઈન લીક થઈ જવાને કારણે ફિલ્મનિર્માતાએ આ નિર્ણય લીધો છે. આ પહેલાં ‘ઉડતા પંજાબ’ની કોપી પણ લીક થઈ હતી. આ અંગે ભલે કોઈ બોલવા તૈયાર ન હોય પરંતુ ફિલ્મની સેન્સર કોપી ઓનલાઈન લીક થવી એ ઈન્ડસ્ટ્રી માટે ખતરા રૂપ છે.

ઈન્દ્રકુમાર અને વિવેક ઓબેરોયે આ બાબત સિફતપૂર્વક ટાળી દીધી હતી. વિવેકે કહ્યું, “અમે આ ફિલ્મને ઝડપથી રિલીઝ કરવા ઉત્સુક હતા એટલે એક વીક અગાઉ રિલીઝ કરવા તૈયાર થઈ ગયા.” તેમને વિશ્વાસ છે કે દર્શકો આ ફિલ્મ જોવા થિયેટર સુધી ચોક્કસ આવશે.” સોશિયલ વીડિયો સાઈટ્સ યુટ્યુબ પર આ ફિલ્મનાં ટ્રેલર અને ગીતોને મળેલી હિટ્સને કારણે જ વિવેકને વિશ્વાસ છે કે ‘મસ્તી’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ની જેમ જ દર્શકો ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ માટે પણ ઉત્સાહી છે.

ઓનલાઈન લીક થયા પછી પણ ફિલ્મ સારો બિઝનેસ કરી શકશે? તેવા સવાલ પર ઈન્દ્રકુમારને વિશ્વાસ છે કે આ ફિલ્મ રૂપિયા ર૦૦ કરોડની કમાણી કરશે. તેઓ એમ પણ માને છે કે અગાઉની ફિલ્મો હિટ ગઈ હોવાથી આ ફિલ્મને હિટ કરાવવાની જવાબદારી વધી જાય છે અને તે માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જ્યારે વિવેક કહે છે કે, “ભલે ‘ગ્રાન્ડ મસ્તી’એ વધુ કમાણી કરી હોય, પરંતુ તેને પ્રથમ ફિલ્મ ‘મસ્તી’ ખૂબ પસંદ આવી હતી. તે ફિલ્મની પંચલાઈન અને કોમેડી લોકોને ખૂબ પસંદ હતી અને એ જ પ્રકારની કોમેડી ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં જોવા મળશે.”

આ ફિલ્મમાં વિવેક સાથે રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. રિતેશે શરૂઆતમાં આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ નિર્દેશકના કહેવાથી તે તરત જ ફિલ્મ કરવા તૈયાર થયો હતો, કારણ કે તેને કોમેડી ખૂબ જ પસંદ છે. રિતેશ માટે કોમેડી કરવી ભલે આસાન હોય પણ વિવેક માને છે કે કોમેડી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે અને ‘મસ્તી’ સિરીઝની ફિલ્મો રિતેશ વગર પોસિબલ નથી. જો રિતેશ અને આફતાબ તેની સાથે ન હોય તો તેના માટે કોમેડી કરવી મુશ્કેલ છે.

આ અંગે ઈન્દ્રકુમાર કહે છે, “ફિલ્મ કરતી વખતે વિવેક ખૂબ જ ગભરાતો હતો. કોમેડીમાં ટાઈમિંગ સાથે ફિઝિકલ એનર્જી પણ જરૂરી છે. કોમેડી સાથે ડાયલોગ્ઝ બોલવા અને લોકોને મનોરંજન પૂરું પાડવું એ મુશ્કેલ કામ છે. કોઈ સિરિયલ સ્ક્રીપ્ટમાં લખાયેલી ભૂમિકામાં બદલાવ નથી થઈ શકતો, પરંતુ કોમેડીના દરેક સીનને સેટ પર ઈમ્પ્રુવાઈઝ કરીને નવા પંચ સાથે પર્ફોર્મ કરવામાં આવે છે. ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ના સેટ પર કેટલાક સીન અંગે આ ત્રણેય એક્ટર સાથે મળીને ચર્ચા કરતા અને બોડી લેંગ્વેજ, ભાષા તથા પંચમાં જરૂરી બદલાવ પણ કરતા હતા.”

ફિલ્મની દ્વિઅર્થી ભાષા અંગે બચાવ કરતાં વિવેક અને ઈન્દ્રકુમાર કહે છે, “સવા અબજની વસતીને શું પસંદ પડશે તે નક્કી કરવાની જવાબદારી અમારી નથી, પરંતુ એક વર્ગ એવો પણ છે કે જેમને આ પ્રકારનો સિનેમા પસંદ છે અને તેઓ આવી ફિલ્મો ઍન્જોય કરે છે.

જે દેશમાં કામસૂત્ર લખાયું હોય અને રતિક્રિડાનાં સ્ટેચ્યૂ મંદિરની દીવાલો પર લગાવાયાં હોય એ દેશની ઘણીખરી જનતા આવી ફિલ્મો અને તેની ભાષા પસંદ કરે છે. આવી ફિલ્મોમાં મહિલાઓની વ્યૂઅરશિપ પણ વધુ છે આથી મહિલાઓને આવી ફિલ્મો પસંદ નહીં પડે તેમ કહેવું યોગ્ય નથી.”

મહિલાઓને આવી ફિલ્મો પસંદ આવતી હોય તો ‘મસ્તી’ સિરીઝમાં દરેક ફિલ્મમાં હિરોઈનોને શા માટે બદલવામાં આવે છે? શું કોમેડી ફિલ્મોમાં મહિલાઓને સ્કૉપ નથી? તે અંગે ઈન્દ્રકુમાર કહે છે, “હિન્દી ફિલ્મોમાં હિરોઈનોની સેલ્ફ લાઈફ ઓછી છે, આથી જ લગ્ન અને બાળકો પછી તેમનાં ફૅન ફોલોઅર્સ અને માર્કેટ બંને ઘટી જાય છે. આવું મેઈન સ્ટ્રીમની ફિલ્મોમાં પણ થઈ રહ્યું છે તેથી શાહરુખ વર્ષોથી છે અને હિરોઈનો ઘણી બદલાઈ ગઈ.” જોકે આ અંગે વિવેકનું માનવું જરા જુદું છે. તે કહે છે, “શ્રીદેવી, માધુરી અને પ્રિયંકા સિનિયર છે અને હાલ પણ તેમની બોલબાલા છે. જો તમે માધુરી જેવા ટેલેન્ટેડ હોવ તો પ૦ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીમાં ટકી શકો છો.”

You might also like