‘ગ્રેટ ગેમ્બલર’ પ્રવીણને હવે હાઈ સિક્યોરિટી ઝોનમાં રખાશે

અમદાવાદ: રાજ્યની હાઇ સિક્યોરિટી ગણાતી સાબરમતી જેલમાંથી ૧૯ વર્ષીય કેદી પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ રવિવારે બપોરે જેલની ૧૮થી ર૦ ફૂટ ઊંચી દીવાલ કૂદી ફરાર થઇ ગયો હતો. પ્રવીણનાં માતા આશાબહેને તેમના પુત્રને ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર કરી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી કેદી પ્રવીણને રાત્રે જજને ઘરે રજૂ કર્યો હતો. આરોપીને રિમાન્ડ ન મળતાં ગત રાત્રે તેને સાબરમતી જેલમાં મોકલાયો હતો. જેલમાં પરત મોકલાતાં તેને કાચા કામના કેદીઓને રાખે છે ત્યાં રાખવાની જગ્યાએ હાઇ સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવ્યો છે.

હાઇ સિક્યોરિટી જેલના સત્તાધીશોના નાક નીચેથી ફરાર થનાર કેદી પ્રવીણ કલોલ જતો રહ્યો હોવાથી શંકાના આધારે તેનાં માતા આશાબહેને પ્રવીણનાં મિત્ર ચેતન ગઢવીનાં ત્યાં તપાસ કરી હતી. કલોલ ખાતે હોવાની જાણ થતાં તેઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને ફોન કરી પ્રવીણને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર કરશે તેમ કહ્યું હતું. રાત્રે પ્રવીણને લઇ તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

પ્રવીણને જેલમાં રહેવું નહોતું પોતાના અને પરિવારજનો પર થયેલા હત્યાનો કેસ લડવા પૈસાની જરૂર હતી. પોતે તીનપત્તી જુગાર રમવાનાે બાદશાહ હોઇ જુગાર રમી પૈસા મેળવવાની લાલચે જેલમાંથી ફરાર થવાનો પ્લાન બનાવ્યો હતો અને ૧૮ ફૂટની દીવાલ કૂદી ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કરેલી ધરપકડ બાદ પ્રવીણને રાત્રે જજના ઘરે રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડની માગ કરી હતી પરંતુ જજે રિમાન્ડ ફગાવી તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ગત રાત્રે પ્રવીણને સાબરમતી જેલમાં લવાતાં હાઇ સિક્યોરિટી ઝોનમાં રખાયો હતો.

હાઇ સિક્યોરિટી ઝોનમાં ર૦૦૮ બોમ્બ બ્લાસ્ટના આતંકવાદીઓ તેમજ માથાભારે કેદીઓને સીસીટીવીની નજર હેઠળ રખાય છે. આવા હાઇ સિક્યોરિટી ઝોનમાં તેને રાખવામાં આવ્યો છે. સામાન્ય કાચા કામના કેદીની જગ્યાએ તેને માથાભારે કેદીની જેમ નજર હેઠળ રખાય છે તેવી રીતે રખાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

જેલમાંથી કેદી દ્વારા ૧૮ થી ર૦ ફૂટની દીવાલ કૂદીને ભાગવાનો બનાવ બનતાં જેલનાં ઉચ્ચ અધિકારીઓની મિટિંગ યોજાઇ હતી. જેમાં જેલમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સૂચનો કરાયાં હતાં. સાબરમતી જેલના સુપરિન્ટેન્ડન્ટ સુનીલ જોશીએ જણાવ્યું હતું કે જેલમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવશે. એસઆરપીના જવાનોને સતત કેદીઓ પર અને જેલમાં વોચ રાખવા જણાવાયું છે. જેલ સત્તાવાળાની બેદરકારી અંગેની તપાસ હજી ચાલુ છે.

You might also like