ગ્રે બજારમાં કૃત્રિમ ભાવની વધ-ઘટ પર અંકુશ આવશે

અમદાવાદ: બજાર નિયમનકારી એજન્સી સેબીએ ગઇ કાલે આઇપીઓ બજારને રાહત મળે તે રીતે પગલાં લીધાં છે, જેમાં આઇપીઓ પ્રાઇસ બેન્ડ જાહેર કરવાની સમય સીમા પાંચ દિવસથી ઘટાડીને બે દિવસ કરવામાં આવી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેબીએ પ્રાઇસ બેન્ડની સમય સીમામાં ઘટાડો કરવાના પગલે હવે બે દિવસ પૂર્વે જ ઈશ્યૂના પ્રાઇસ બેન્ડનું એલાન કરવાનું થશે, જેના પગલે ગ્રે માર્કેટમાં તેની સીધી અસર જોવા મળશે.

ગ્રે માર્કેટમાં આઇપીઓ ખૂલવા પૂર્વે ભાવમાં જે મોટી ઊથલપાથલ જોવા મળતી હતી અને પાંચ દિવસના સમયગાળાના પગલે ઈશ્યૂ ખૂલે તે પૂર્વે આઇપીઓના ગ્રે બજારમાં કૃત્રિમ રીતે ભાવમાં વધારો કરાવડાવવામાં આવતો હતો.

હવે બે દિવસનો જ ઓછો સમયગાળો રહેવાના કારણે ગ્રે માર્કેટમાં જે વધ-ઘટ જોવા મળતી હતી તેના પર રોક આવશે તથા નાના ઈન્વેસ્ટર્સને તેનો સીધો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગના નાના રોકાણકારો ઈશ્યૂ ખૂલે તે પૂર્વે ગ્રે બજારમાં તેના શું ભાવ ચાલી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને આઇપીઓ ભરવા અંગે નિર્ણય લેતા હોય છે, પરંતુ હવે સેબી દ્વારા પ્રાઇસ બેન્ડ જાહેર કરવાની સમય સીમા માત્ર બે દિવસની કરવામાં આવતા ગ્રે બજારમાં જે ઈશ્યૂ ખૂલે તે પૂર્વે ઊથલપાથલ જોવા મળતી હતી. તેમાં કંઇક અંશે રોક આવશે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યાે છે.

છ મહિનામાં ૩૫ હજાર કરોડના આઇપીઓ આવશે
ચાલુ વર્ષે રૂ. ૩૫ હજાર કરોડના આઇપીઓ આવવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની ઇન્ડિયન રેલવે સાથે સંકળાયેલી રીટ્સ કંપનીનો આઇપીઓ આવ્યા બાદ રેલવે ડિપાર્ટમેન્ટ વધુ બે કંપનીઓને લિસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૭માં આઇપીઓ બજાર ફૂલ ગુલાબી રહ્યું હતું. ૨૦૧૮માં પણ આઇપીઓ માર્કેટ સારું રહેવાની આશા છે. ચાલુ વર્ષે હજુ છ મહિનામાં એક ડઝનથી પણ વધુ કંપનીઓ આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. કંપનીઓએ આઇપીઓ દ્વારા વધુ ૩૫,૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના હાથ ધરી છે.

You might also like