ગ્રામ પંચાયતો વેરો વસૂલે છે, સુવિધા આપી શકતી નથી!

રાજ્યનાં ગામડાં સમૃદ્ધ થઈ રહ્યાં છે. શહેરની જેમ હવે ગામડાંમાં પણ વીજળી-પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધા લોકો સુધી પહોંચી છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની શેરીઓ સ્ટ્રીટલાઈટથી ઝળહળી ઊઠી છે. ગામડાંમાં આવી સુવિધા પૂરી પાડવા માટે હવે વેરો પણ વસૂલવામાં આવી રહ્યો છે છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦ જેટલાં ગામોમાં અંધકાર ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જિલ્લાની ૨૫૦ જેટલી ગ્રામપંચાયતો દ્વારા પંચાયતઘરનું કે રસ્તા પરની સ્ટ્રીટલાઈટોનું બિલ જ ચૂકવવામાં આવ્યંુ નથી. આથી જે રસ્તા અને પંચાયતો રોશનીથી ઝળહળતાં હતાં ત્યાં વીજળી ડૂલ થવાની સંભાવના છે અને કેટલીક જગ્યાએ તો અંધકાર થઈ ચૂક્યો છે.

અહીં વીજળી પૂરી પાડતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને અંદાજિત ૨૫૦ ગ્રામપંચાયતો પાસેથી લેણું નીકળે છે. પંચાયતો દ્વારા ગામડાંમાં વસતાં લોકોને સુવિધા પૂરી પાડવા માટે વેરો ઉઘરાવવામાં આવે છે, પરંતુ તે બિલોની ચુકવણી કરવામાં પંચાયતો ઉદાસીનતા દાખવી રહી છે.

આ અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતાં જિલ્લા સર્કલ અધિકારી એચ. એમ. વાઢેર કહે છે, “અમે જિલ્લાનાં ૬૦૦થી વધારે ગામોમાં સ્ટ્રીટલાઈટ અને પંચાયતઘરોમાં વીજળી પૂરી પહોંચાડીએ છીએ, પરંતુ ૨૫૦ જેટલાં ગામોએ પંચાયત ઘર અને સ્ટ્રીટલાઈટના બિલનું રૂપિયા દસ લાખ જેટલું બાકી લેણું ચૂકવ્યું નથી. અમે નોટિસ મોકલીએ તો તેઓ સરકારી ગ્રાન્ટ ન મળ્યાનું કહીને પંચાયત નાણાં ચૂકવવાની સ્થિતિમાં ન હોવાનું જણાવે છે.” આમ, હવે કેટલાંક ગામોને ફરીથી અંધકારનો સામનો કરવો પડશે.

You might also like