ગ્રામ પંચાયતોની ચૂંટણી લિટમસ ટેસ્ટ બનશે!

ગુજરાત વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણી પહેલાની મોટી ચૂંટણી ગણી શકાય તેવી રાજ્યની ૧૦૩૧૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ર૭ ડિસેમ્બરના રોજ યોજવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિંહાએ જાહેરનામું બહાર પાડી દીધું છું. સામાન્ય રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય ચિહ્ન પર લડવામાં આવતી નથી પણ સ્વાભાવિક રીતે ગ્રામ પંચાયતોમાં સરપંચ જે રાજકીય પક્ષનો હોય તેને લાભ થાય છે અને ૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીજંગમાં આ સરપંચનું યોગદાન મહત્ત્વનું બની રહેતું હોય છે. આથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી મહત્ત્વની બની રહેશે. ભાજપ માટે નોટબંધી બાદ સૌથી મોટી ચૂંટણી હોવાથી આમપ્રજાનો મિજાજ જાણી શકાશે. જ્યારે કોંગ્રેસ માટે જિલ્લા અને તાલુકા પંચાયતોની જીત બાદ સૌથી મોટી ચૂંટણી હોવાથી કોંગ્રેસ ગ્રામ્ય સ્તરે તેની શું સ્થિતિ છે તે જાણી શકશે.

સરકારનો ‘હાર્દિક’ પ્રેમ
રાજ્ય સરકારને એકાએક ‘પાસ’ના નેતા હાર્દિક પટેલ પ્રત્યે પ્રેમ ઊભો થયો છે. અગાઉ હાર્દિક સાથે સરકારે સીધી ચર્ચા કરવાની ક્યારેય તૈયારી બતાવી નથી, પરંતુ હવે સરકારના પ્રવક્તા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કહેવાથી પાટીદાર અનામત આંદોલન માટે હાર્દિકને ‘પાસ’ કન્વીનરો સાથે ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું અને અનુકૂળ હોય તે જગ્યાએ સરકાર બેઠક કરવા તૈયાર થઇ. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ હાર્દિકને આમંત્રણ આપવા પાછળ સરકારનું રાજકીય ગણિત છે. ભૂતકાળમાં સુરતમાં ભાજપ રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની સભામાં પાટીદારોએ તોફાન મચાવ્યું, તેનાથી ભાજપની સ્થિતિ કફોડી થઇ હતી. શાહની આ સભા બાદ પ્રથમ વાર મુખ્યમંત્રી સમૂહલગ્નમાં સુરત હાજરી આપવાના હોઈ કાર્યક્રમ શાંતિપૂર્ણ રહે તે માટે આગલા દિવસે જ હાર્દિકને મીડિયા માધ્યમથી મંત્રણા માટે આમંત્રણ અપાયું જે રાજકીય ગણતરી હવે પૂરી થઇ. નિષ્ણાતોના મતે સરકાર ‘પાસ’ને સમાધાનના ટેબલ પર લાવવા માગે છે. જેમ ઠાકોર સેના સાથે સરકારે સમાધાન કરી લીધું તે જ રીતે સરકાર હવે હાર્દિક સાથે પણ સમાધાનનાં મૂડમાં છે. સરકારના આમંત્રણ બાદ કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે આ આમંત્રણને ‘પાસ’ આવકારે છે પણ અમારી માગણીઓ યથાવત્ છે. ‘પાસ’ અને પાટીદારોને અનામત સિવાય કશું ખપતું નથી. હવે હાર્દિક અને ‘પાસ’ કન્વીનરો સાથે મંત્રણાના ટેબલ પર સરકારમાંથી કોણ બેસે છે અને તેનું પરિણામ શું આવે છે તે જોવાનું રહ્યું.

નોટબંધીથી કોંગ્રેસને થયો લાભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી નોટબંધી બાદ દેશમાં તેના પર ચર્ચા શરૂ થઇ છે, કારણ કે કેટલાક નિષ્ણાતો નોટબંધીને લાભકારક બતાવી રહ્યા છે તો કેટલાક અર્થતંત્ર માટે નુકસાનકારક. દેશની જનતા નોટબંધીથી બેન્કોની લાઇનમાં ચોક્કસ ઊભી થઇ ગઇ છે, જેથી ગુજરાતમાં કોંગ્રેસને ચોક્કસ લાભ થયો હોવાની ચર્ચા શરૂ થઇ છે, કારણ કે નોટબંધીના નિર્ણય બાદ પ્રથમ વાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા છે. નોટબંધીથી કોંગ્રેસ રિચાર્જ થઈ હોય તેવું લાગી રહ્યું છે.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ ગુજરાતમાં ભાજપનાં ૨૦ વર્ષના શાસનમાં પ્રથમ વાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકસાથે આંદોલન માટે રોડ પર ઉતર્યા છે. ભૂતકાળમાં ભાજપ દ્વારા અપાતા નેતાઓને ઘેરાબંધી જેવા કાર્યક્રમો હવે કોંગ્રેસ આપતી થઇ હોવાનો અહેસાસ આમ પ્રજાને થઇ રહ્યો છે. કોંગ્રેસને નોટબંધીથી લાભ થાય કે નહીં પણ તેનો કાર્યકર રિચાર્જ થવાથી ચોક્કસ લાભ થશે.

કોંગ્રેસ દ્વારા એક સપ્તાહને જનજાગૃતિ તરીકે ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યભરનાં જિલ્લા મુખ્યમથકો પર કોંગ્રેસ નેતાઓએ ભાજપને ભાજપની સ્ટાઇલથી આંદોલન કરીને જવાબ આપ્યા જે કોંગ્રેસ માટે લાભકર્તા સાબિત થઇ શકે છે.

સૌરભ પટેલ સાથે કામ કરનાર આઇએએસ ચિંતામાં
રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલના ગ્રહો હાલ બરાબર ચાલતા નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને મંત્રીમંડળમાંથી
પડતા મૂક્યા ને હવે તેમની સામે ભ્રષ્ટાચાર અને પોતાના મંત્રીપદ દરમ્યાન પરિવારના સભ્યોની જ કંપનીઓને લાભ અપાવ્યાનો આક્ષેપો થઇ રહ્યા છે. જીએસપીસી કે ઉર્જા વિભાગ મામલે રાજકીય વિરોધીઓ હવે સૌરભ પટેલ પર સીધું નિશાન તાકી રહ્યા છે. આ આક્ષેપોથી તેમની સાથે કામ કરી ચૂકેલા આઇએસએસ ઓફિસરો થઇ રહ્યા છે, કારણ કે સૌરભ પટેલના કાર્યકાળમાં તેમની સાથે
પૂર્વ બે મુખ્ય સચિવ અને હાલના મુખ્ય સચિવ સહિત અનેક આઇએએસ અધિકારીઓ કામ કરી ચૂક્યા છે. જેમાંથી કેટલાક અધિકારીઓને એ વાતનો ભય સતાવી રહ્યો છે કે સૌરભ પટેલ સામેના આ રાજકીય જંગમાં તેમની સામે પણ આંગળી ચીંધાશે. જોકે આ આક્ષેપોમાં કોંગ્રેસ રાજકીય લાભ લેવા કે ભાજપ બચાવમાં મેદાનમાં આવ્યું નથી એ આશ્ચર્યજનક છે.
http://sambhaavnews.com/

You might also like