રાજ્યની ૮૯૫૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન

અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અતિ મહત્વની ગણાતી ૧૦ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. અમદાવાદ ‌જિલ્લા સહિત રાજ્યના તમામ મતદાન મતકો પર મતદારોએ મત આપવા ઉત્સાહ બતાવ્યો છે. દરેક બુથ પર સવારથી જ લાઇનો લાગી છે. પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં નોટાનો ઉપયોગ મતદારો કરી રહ્યા છે. આજે લિલિયાના ઉમેદવાર ગોબરભાઇ જજવાડિયાનું ચૂંટણી દરમ્યાન હાર્ટ એટેકથી નિધન થતા લિલિયા વોર્ડ-૧રની ચૂંટણી મુલતવી રહી છે.

રાજ્યના ૩૩ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સવારના ૮ કલાકે મતદાન શરૂ થઇ ચૂક્યું હતું. અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના ૪૧૧ ગામોની ચૂંટણીમાં ૧૧ર સંવેદનશીલ અને ૪૩ બુથ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જિલ્લાના ૪૬૯ લાખ મતદારો ૧૦પપ સરપંચ અને ૩પ૧૪ સભ્યપદના ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ કરશે. આજની મતદાન પ્રક્રિયામાં ૧,૪૭,૭૪૯ ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં સીલ થશે. અંદાજે ૧.૬૬ કરોડ મતદારો છે, જેઓ ઉમેદવારોનાં ભાવિ નક્કી કરશે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય બંન પક્ષ માટે ખરાખરીનો જંગ ગણાતી ચૂંટણીનું પરિણામ ૨૯ ડિસેમ્બરે જાહેર થશે.

કુલ ૬૬,૦૪૨ વોર્ડની ચૂંટણી યોજાઈ છે, તેમાં ૩૪ હજાર સભ્ય બિનહરીફ થયા છે. ૧૧૪ પંચાયતોના સરપંચ બિનહરીફ છે. ૪૨૦ ગામમાં તમામ વોર્ડ બિનહરીફ થયા છે. ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ૧૪.૧૯ ટકા એટલે કે ૧૪૬૭ ગ્રામ પંચાયતો સમરસ બની છે.

અમદાવાદ જિલ્લાની ૫૫ ગ્રામ પંચાયત સમરસ બની છે. આજે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થાય તે માટે ૫૦ હજારથી વધુ પોલીસ ફોર્સ ખડેપગે છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી ઈવીએમથી નહીં, પરંતુ બેલેટ પેપરથી યોજાઈ રહી છે. ૨૨ હજાર બૂથમાં યોજાયેલી મતદાન પ્રક્રિયા માટે આજે ૪૪,૧૫૮ મતપેટીનો ઉપયોગ કરાયો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે.

અનામત સિવાયની સામાન્ય બેઠકો ઉપર પણ મહિલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે. મહિલાઓનો દબદબો ૫૦ ટકાથી પણ વધુ રહેશે. બેલેટ પેપરમાં છેકછેલ્લે ‘નોટા’નો વિકલ્પ અપાયો છે. સવારે ૮ કલાકે શરૂ થયેલું મતદાન સાંજના ૫ કલાક સુધી ચાલુ રહેશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાઈ રહેલી અતિ મહત્ત્વની ગણાતી પંચાયતોની ચૂંટણી રાજ્યના બંને મુખ્ય પક્ષ માટે નિર્ણાયક તબક્કો સાબિત થશે.
http://sambhaavnews.com/

You might also like