ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧.૩ર કરોડ ગ્રામ્ય મતદાર કોની સાથે ….

અમદાવાદ: રાજ્યના ૩૩ જિલ્લામાં ર૭ ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ૮૦ ટકા જેટલાં ભારે મતદાન બાદ આજે સવારથી મત ગણતરી શરૂ થઇ હતી. ચૂંટણીમાં ઇવીએમના બદલે બેલેટ પેપેરનો ઉપયોગ થયો હોઇ મત ગણતરી મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે. જોકે સવારથી જ પરિણામો આવવાની શરૂઆત થઇ ગઇ હતી.

રાજ્યની ૮૬ર૪ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ૧,ર૦,૯૩૬ અને સરપંચ પદ માટે ર૬,૮૧૩ ઉમેદવાર મેદાનમાં હતા. ૧.૬૪ કરોડ નોંધાયેલા મતદારોમાંથી ૧.૩ર કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાટીદાર આંદોલન અને નોટબંધીની પ્રજા માનસ પર કેટલી અસર પડી છે તે આજનાં પરિણામોમાં દેખાશે.
સૌથી વધુ સરપંચ તેમના પક્ષ સાથે જોડાયેલા હોવાનો દાવો ભાજપ અને કોંગ્રેસ કરી રહ્યા છે. મત ગણતરીનાં સ્થળોએ સવારના ૮-૦૦ વાગ્યા પહેલાં જ કાર્યકર અને ટેકેદારની ભીડ જામી છે. જેમ જેમ પરિણામો જાહેર થતાં રહેશે તેમ તેમ ટેકેદારોમાં વિજયનો માહોલ જામશે.

જોકે જે તે મત ગણતરી કેન્દ્રમાં ઉમેદવાર તથા તેના એજન્ટ સિવાય અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. મતપેટીના સીલ ઉમેદવારોની હાજરીમાં ખૂલ્યા બાદ સરપંચ અને સભ્યના ગુલાબી અને સફેદ બેલેટ અલગ તારવી પ૦ કે ૧૦૦ મતની થોકડી અલગ કરી બે વાર ગણવામાં આવી રહી છે. આ ચૂંટણી પરિણામો રાજકીય પક્ષો માટે અતિ મહત્ત્વના બની રહેશે. રાજકીય પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડાતી ન હોવા છતાં ઉમેદવારો જે તે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગામડાંના લોકો કયા પક્ષની સાથે છે તેનો કયાસ આવી જશે.
http://sambhaavnews.com/

You might also like