જીપીએસસીની તૈયારી કરતી પત્ની પર શંકા રાખી પતિએ મારઝૂડ કરી

અમદાવાદ: અમદાવાદ કલેક્ટર ઓફિસમાં નોકરી કરતી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી પત્ની પર અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધની શંકા રાખી પતિએ મારઝૂડ કરી હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના કુડાસણ ગામે સ્નેહા તેના પતિ અને પાંચ વર્ષની પુત્રી સાથે રહે છે. સ્નેહાએ વૈભવ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને હાલમાં સ્નેહા કલેક્ટર ઓફિસમાં નોકરી કરે છે તેમજ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે. લગ્ન જીવન થોડો સમય સારું ચાલ્યું. બાદમાં વૈભવે સ્નેહા પર શંકા કરવાનું શરૂ કરી દીધું હતું. નોકરીમાં સહકર્મચારી સાથે પણ વાત કરવાની ના પાડી દીધી હતી, જેથી તેણે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી છતાં પણ વૈભવ તેના પર શંકા રાખીને મારઝૂડ કરતો હતો.

હાલમાં તે જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરતી હોવાથી બે દિવસ પહેલાં સ્નેહાના મોબાઈલ ફોન પર તેની સાથે જીપીએસસીની તૈયારી કરતા એક મિત્રનો મટી‌િરયલ લેવા માટે ફોન આવ્યો હતો. વૈભવે ફોન ડિટેલની ચકાસણી કરી અને શંકા રાખી મારઝૂડ કરી હતી. આસપાસના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તેને મારઝૂડમાંથી છોડાવી હતી. માર મારતાં સ્નેહા તેના પિતાના ઘરે જતી રહી હતી અને ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વૈભવ વિરુદ્ધ મારઝૂડ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
(પાત્રોનાં નામ બદલેલ છે)

You might also like