રાજ્યસભાનાં બીજા દિવસે પણ હોબાળો : ઉતરાખંડ અને JNUનો મુદ્દો ઉછળ્યો

નવી દિલ્હી : રાજ્યસભામાં બજેટ સત્રનો બીજો ભાગ પણ હોબાળાનાં કારણે કોઇ પણ કામ વગરનો જ રહ્યો હતો. બીજા દિવસે ઉતરાખંડ મુદ્દે અને જેએનયુનાં વિદ્યાર્થીઓ પર અનુશાસનાત્મક કાર્યવાહીનાં મુદ્દે હોબાળો થયો. ઉતરાખંડ મુદ્દે કોંગ્રેસ સભ્યોએ હોબાળો કર્યો. બીજી તરફ લેફ્ટનાં સભ્યોએ JNUનાં મુદ્દે માનવ સંસાધન મંત્રાલયની ભુમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ નાણા મંત્રી અને સદનનાં નેતા અરૂણ જેટલીએ ઉતરાખંડ પર ચર્ચાની માંગને તેમ કહીને ફગાવી દીધી કે ચુકાદા પહેલા ચર્ચા શક્ય નથી.

જેટલીએ કહ્યું કે જ્યાં સુધી સંવિધાનનાં અનુચ્છેદ 356 અને ઉતરાખંડનો સવાલે છે તો અમારે પણ કહેવા માટે ઘણું છે. એવું ક્યારે નથી થયું કે સદનનાં પીઠાસીન અધિકારીઓએ લધુમતીને બહુમતી અને બહુમતીને લધુમતી બનાવી દીધા છે. વાસ્તવમાં આ સંવિધાનનો ઉપહાસ છે. તેમણે કહ્યું કે 57 સભ્યોમાં 35 કહે છે કે તેમણે નાણાકીય વિધેયકની વિરુદ્ધ મતદાન કર્યું છે અને અધિકારીઓ કહે છે કે લધુમતી જ બહુમતીમાં છે. જો સદનમાં કોઇ ચર્ચા થાય છે તો અમે જરૂર ભાગ લઇશું.

બીજી તરફ લેફ્ટનાં ડી.રાજાએ જેએનયુંનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પર આ પ્રકારની દમનાત્મક કાર્યવાહી લોકશાહીની હત્યા છે. રાજાએ કહ્યું કે માનવસંસાધન મંત્રાલયનાં ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માંગે છે. વિપક્ષી દળનાં સભ્યો ત્યાર બાદ નારેબાજી કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં 9 ફેબ્રુઆરીનાં રોજ થયેલા કાર્યક્રમ માટે વિદ્યાર્થી સંધ અધ્યક્ષ કનૈયા કુમાર પર 10 હજારનો દંડ લગાવવામાં આવ્યો. બીજી તરફ ઉમર ખાલીદને એક સેમેસ્ટર માટે હાંકી કાઢવામાં આવ્યો. પુર્વ અધ્યક્ષ આશુતોષ પર પણ 20 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

You might also like