આનંદો! હવે વડાપ્રધાન જનઔષધિ કેન્દ્રો પેટ્રોલ પંપ પર ખૂલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હવે સામાન્ય દેશવાસીઓ માટે જન ઔષધિ (જેન‌િરક સ્ટોર)ની ઉપલબ્ધતા વધુ સરળ કરવા જઇ રહ્યું છે. આ હેઠળ દેશભરના તમામ પેટ્રોલ પંપ અને રેલવે સ્ટેશન પર વડાપ્રધાન જન ઔષધિ યોજના હેઠળ જેન‌િરક મેડિસિન સ્ટોર ખોલવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી-૨૦૧૮થી સરકાર તેની શરૂઆત કરશે.

અત્યાર સુધી દેશમાં ૩૦૩૧ જેન‌િરક સ્ટોર શરૂ થયા છે તેમ છતાં પણ ઘણાં શહેર એવાં છે, જ્યાં જેન‌િરક દવાઓના માત્ર એકાદ-બે સ્ટોર જ છે. આવા સંજોગોમાં દર્દીઓને સરળતાથી જેન‌િરક દવાઓ મળી શકતી નથી. તમામ પેટ્રોલ પંપ અને રેલવે સ્ટેશન પર જેન‌િરક દવાઓના સ્ટોર ખૂલી જાય તો તેની સંખ્યા વધીને ૭૦,૦૦૦ જેટલી થશે, કેમ કે દેશમાં લગભગ ૮૫૦૦ રેલવે સ્ટેશન અને ૫૭,૦૦૦ પેટ્રોલ પંપ છે. વિવિધ સ્થળો પર માર્ચ-૨૦૧૮ સુધી ૧૫૦૦ સ્ટોર શરૂ કરાશે.

જેન‌િરક અને બ્રાન્ડેડ દવાઓમાં ફરક
ગુણવત્તામાં આ બંને દવાઓ એકસરખી હોય છે. બ્રાન્ડેડ દવાઓના પેકેજિંગ અને તેને સાચવવા પર રિસર્ચ કંપનીઓ વધુ ખર્ચ કરે છે. તેથી તે મોંઘી હોય છે. જેન‌િરક દવાઓ ૪૦થી ૪૦૦ ગણી સસ્તી હોય છે. વડા પ્રધાન જન ઔષધિ સ્ટોર નોઇડાના સંચાલક અનુપ ખન્નાએ જણાવ્યું કે જેન‌િરક દવાઓ બે પ્રકારની હોય છે. વડાપ્રધાન જન ઔષધિનો ભાવ ખૂબ જ ઓછો હોય છે જ્યારે કંપનીઓની જેન‌િરક દવાઓનું મૂલ્ય બ્રાન્ડેડ દવાઓ કરતાં થોડુંક જ ઓછું હોય છે. તેથી સામાન્ય લોકોએ આ બાબતે જાગ્રત રહેવું જોઇએ.

You might also like