૧૯ર દેશોના મિશન હેડ કુંભમેળાનું ‘ટ્રેલર’ જોશે

નવી દિલ્હી: કુંભને દેશ અને દુનિયામાં એક મોટા આયોજનના રૂપમાં પ્રસ્તુત કરવામાં વ્યસ્ત બનેલી સરકાર દુનિયાના ૧૯ર દેશોના મિશન હેડ સામે કુંભ પહેલાં તેની ઝલક બતાવશે. કુંભનગરીમાં ડિસેમ્બરમાં યોજાનાર આ એક દિવસીય આયોજનની તૈયારીઅો અત્યારથી જ શરૂ કરી દેવાઇ છે. ખુદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ દેશોના રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓને લઇ અહીં પહોંચશે.

આ આયોજનમાં કુંભ દરમિયાન યોજાનાર ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોની ઝલક બતાવાશે. એરપોર્ટથી લઇને સંગમ સુધીના રસ્તા પર આવાં ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન થશે, જેમાં એક નજરમાં જ કુંભની ભવ્યતાનો અંદાજ લગાવાશે.

કેન્દ્ર અને યુપી સરકાર ઇચ્છે છે કે આ વખતે કુંભ દરમિયાન માત્ર દેશ જ નહીં, દુનિયાના દરેક ખૂણામાંથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો ભાગ લેવા આવે. તેથી વારાણસીમાં જાન્યુઆરી મહિનામાં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા પહોંચનારા મહેમાનોને પણ એક દિવસના કુંભમાં લવાશે.

કુંભના પ્રચાર માટે યુપી સરકારના પ્રધાનો અને અધિકારીઓ ઘણા દેશોની સફર કરી ચૂક્યા છે. અધિકારીઓની વાત માનીએ તો કોઇ પણ દેશના મિશન હેડ કોઇ આયોજનને લઇ પોતાના દેશમાં યોગ્ય તસવીર પ્રસ્તુત કરતા હોય છે તેના પર દેશવાસીઓ વિશ્વાસ પણ કરે છે.

આ વખતે ૧૯ર દેશોના રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ કુંભના બરાબર એક મહિના પહેલાં ડિસેમ્બરનાં પહેલા કે બીજા અઠવાડિયામાં અલ્હાબાદ જઇને કુંભની તૈયારી અને કુંભ દરમિયાન થનારાં આયોજનની ઝલક બતાવવાની તૈયારીઓ કરાઇ રહી છે.

આ આયોજનને લઇ તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. માત્ર તારીખ નક્કી કરવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ નક્કી થઇ ગયું છે કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ખુદ આ રાજનાયકોને લઇને અહીં પહોંચશે. આ એક દિવસના આયોજન માટે સમગ્ર શહેરને સજાવવાની તૈયારીઓ કરાઇ છે.

એરપોર્ટથી લઇને સંગમ સુધીના રસ્તાઅો પર સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનોની રૂપરેખા એ રીતે તૈયાર કરાઇ રહી છે કે એક જ દિવસમાં લગભગ આઠ દિવસ ચાલનારા કુંભની ઝલક જોઇ શકાય.

You might also like