ચૂંટણી પહેલાં મોદી સરકાર મધ્યમવર્ગને ઢગલો રાહત આપશે, જાણો શેમાં થઈ શકે છે ફાયદા

નવી દિલ્હી, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પૂર્વે પોતાના આખરી પૂર્ણ બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહતો આપી શકે છે. સામાન્ય ચૂંટણીમાં ઊતરતાં પહેલાં મોદી સરકાર મિડલ ક્લાસનો સ્નેહ સંપાદિત કરવા ખાસ કરીને ટેક્સમાં મોટી રાહતો આપશે.

મધ્યમવર્ગ ભાજપનો સૌથી મોટો જનાધાર છે. બજેટને લઈ સરકારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકાર અને પક્ષના એક મોટા વર્ગનું કહેવું છે કે બજેટમાં મધ્યમવર્ગના લોકોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

સરકાર ટેક્સમાં રાહત, હેલ્થ ઈન્સ્યોરન્સ પર વધારાનો લાભ, એફડી પર વધુ વ્યાજ વગેરેની જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં સેન્સેક્સમાં ઉછાળો આવ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડના રિટર્નમાં વધારો થતાં હવે સરકારી બચત યોજનાઓનું આકર્ષણ ઘટ્યું છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ પણ જણાવ્યું હતું કે સરકાર લોકો પાસે વધુ રોકાણની અપેક્ષા રાખે છે.

જોકે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને જીએસટીને લઈ રેવન્યૂ ઘટવાના કારણે સરકારે લોકોને છૂટછાટ આપવા માટે નવાં સંસાધન શોધવાં પડશે. સૂત્રોનું કહેવું છે કે સરકારનો એક વર્ગ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ વધારવાની તરફેણમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. ૫ લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર આ રાહત મળશે.

આ ઉપરાંત લેવીમાં ૧૦ ટકાથી પણ ઓછો ઘટાડો કરવામાં આવશે. એનડીએ સરકાર મધ્યમવર્ગ અને ગરીબ લોકોને આકર્ષનાર બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં આ વર્ગને રાહત આપવા માટે સરકારે ૨૦૦ આઈટમ્સને ૨૮ ટકાના જીએસટીના દાયરામાંથી બહાર કરી છે.

You might also like