મધ્યમ વર્ગ માટે ખુશખબરી, હોમ લોન પર વ્યાજ સબસિડીની મુદત 15 મહિના વધારી

કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજ પરની સબસિડી 15 મહિના માટે વધારી દીધી છે. 2.60 લાખ રૂપિયા સુધીની સબસિડી હવે માર્ચ, 2019 સુધી મળશે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ‘વડાપ્રધાન આવાસ યોજના હેઠળ હોમ લોન પર મળી રહેલી સબસિડીનો લાભ લાભાર્થીઓને હવે ડિસેમ્બર પછીના 15 મહિના સુધી મળશે.’

સરકારની આ યોજનાથી ઘરનું સપનું જોઈ રહેલા મધ્યમવર્ગીઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 31 ડિસેમ્બરે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સબસિડીની જાહેરાત કરી ડિસેમ્બરના અંત સુધીનો સમય આપ્યો હતો. જેની મર્યાદા હવે 15 મહિના સુધી વધારવામાં આવી છે.

સીએલએસએસ હેઠળ 6 લાખ રૂપિયાથી વધુ અને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનાર એમઆઈજી લાભાર્થીઓને 9 લાખ રૂપિયાની 20 વર્ષ સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી મળશે. 12 લાખથી વધુ અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનાર લાભાર્થીઓને 3 ટકા વ્યાજ સબસિડી મળશે.

You might also like