નવી પેન્શન સ્કીમ હેઠળના કર્મીઓને પણ હવે ગ્રેજ્યુઈટીનો લાભ મળશે

નવી દિલ્હી: નવી પેન્શન સ્કીમ હેઠળ નિયુક્ત કેન્દ્રીય કર્મચારીઓએ માટે ખુશ ખબર છે હવે તેમને પણ જૂના પેન્શનરોની જેમ રિટાયર્ટમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીનો લાભ મળશે. નવી પેન્શન સ્કીમ લાગુ થયા બાદ તેના હેઠળ આવતા કર્મચારીઓને ગ્રેજ્યુઈટી મળશે કે કેમ એ અંગે અનિશ્ચિતતા હતી, પરંતુ હવે આ અંગે સ્પષ્ટ દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે નવી પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને પણ રિટાયર્ટમેન્ટ ગ્રેજ્યુઈટી અને ડેથ ગ્રેજ્યુઈટીનો લાભ મળશે.

કેન્દ્રીય વિભાગોમાં જેમની નિમણૂક ૧ જાન્યુઆરી ૨૦૦૪ કે ત્યાર બાદ થઈ છે એવા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. નવી પેન્શન સ્કીમ લાગુ થયા બાદ કર્મચારીઓ માટે જીપીએફની વ્યવસ્થાનો અંત લાવવામાં આવ્યો છે. આવા કર્મચારીઓના પગારમાંથી હવે જીપીએફની કપાત થતી નથી. તેમના પગારમાંથી માત્ર પેન્શન ફંડ માટે કપાત થાય છે.

નવી પેન્શન નીતિ લાગુ થયા બાદ કેટલાય િદવસો સુધી એ નક્કી થઈ શકતું ન હતું કે કર્મચારીઓને જીપીએફનો લાભ મળશે કે નહીં.  જોકે હવે નક્કી થઈ ગયું છે કે તેમના પગારમાંથી માત્ર પેન્શન ફંડ માટે જ કપાત કરવામાં આવશે અને તેમને જીપીએફનો લાભ મળશે નહીં.

જ્યારે ગ્રેજ્યુઈટી અંગે હવે કેન્દ્રીય પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગે ગાઈડલાઈન્સ જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે સરકારે હવે એવો નિર્ણય કર્યો છે કે નવી પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) રૂલ, ૧૯૭૨થી આવરી લેવામાં આવેલા કર્મચારીઓની જેમ તેઓ પણ રિટાયર્ડમેન્ટ ગ્રેજ્યુઈટી અને ડેથ ગ્રેજ્યુઈટી માટે હક્કદાર બનશે.

You might also like