દેશમાં પ્રત્યેક જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને યોગ કેન્દ્ર ખૂલશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પ્રત્યેક જિલ્લામાં એક આયુષ હોસ્પિટલ અને એક યોગ કેન્દ્ર ખોલવાની યોજના તૈયાર કરી રહેલ છે. આ અંગે તમામ રાજ્ય પાસેથી સૂચનો અને પ્રસ્તાવ મંગાવવામાં આવી રહ્યા છે. આયુષ રાજ્ય પ્રધાન ‌શ્રીપદ નાઇકે જણાવ્યું હતું કે સરકાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટાકેન્દ્રોમાં એક આયુષ ડોકટરની નિમણૂક કરવા સક્રિય વિચારણા કરી રહી છે.

શ્રીપદ નાઇકે વધુમાં જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયને ૧૪ રાજ્યમાંથી પ્રસ્તાવ પ્રાપ્ત થયા છે અને તેમણે તેમાં ઊંડો રસ દાખવ્યો છે.  આ ઉપરાંત આયુષ મંત્રાલય પ્રત્યેક જિલ્લામાં એક યોગ કેન્દ્ર ખોલવા પણ કામ કરી રહ્યું છે. સરકાર આગામી બે-ત્રણ મહિનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ધોરણે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન શરૂ કરવામાં આવશે.

શ્રીપદ નાઇકે વધુમાં જણાવ્યું હતું કે અન્ય પ્રસ્તાવિત આયુષ કેન્દ્રો-અખિલ ભારતીય યુનાની સંસ્થાન અને અખિલ ભારતીય હોમિયોપથી સંસ્થાન માટે જમીન ફાળવવામાં આવી ચૂકી છે. યુુનાની કેન્દ્ર માટે ગાઝિયાબાદ અને હોમિયોપેથી કેન્દ્ર માટે દિલ્હીના નરેલામાં જમીન ફાળવવામાં આવી છે.

You might also like