કેનેડામાં ખાલિસ્તાની ત્રાસવાદી કેમ્પ અંગે એજન્સીઓની એલર્ટ

ચંડીગઢ: પંજાબમાં ખાલિસ્તાની ટેરર ફોર્સ હુમલો કરવાની તૈયારીમાં છે અને આ માટે તેના દ્વારા સત્તાવાર રીતે પંજાબી યુવાનોની ભરતી કરીને તેમને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલાના છ મહિના બાદ ઈન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓએ કેનેડાની જસ્ટીન ટ્રીડયુ સરકારને ચેતવણી આપતાં તાકીદ કરી છે કે ખાલિસ્તાન સમર્થક આતંકીઓ બ્રિટિશ કોલંબિયાના મિશન સિટી પાસે આતંકી ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યા છે કે જેથી પંજાબમાં આતંકવાદી હુમલા કરી શકાય.

પંજાબ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં વસતા શીખ હરદીપ નીજ્જરને ખાલિસ્તાની ટેરર ફોર્સના ઓપરેશનનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે અને આ સાથે જ હુમલા માટે એક એવું મોડયુલ બનાવવામાં આવ્યું છે જેમાં શીખ યુવાનોની ભરતી અને તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. નીજ્જરે પાકિસ્તાનથી જ શસ્ત્રોની વ્યવસ્થા કરવાની તૈયારી કરી રાખી હતી, પરંતુ પઠાણકોટ હુમલા બાદ બોર્ડર અને પંજાબમાં હાઇએલર્ટ હોવાથી આ શકય બન્યું નહોતું.

‌નીજ્જર ૧૯૯પથી કેનેડાના સરેમાં કેનેડિયન પાસપોર્ટ પર જ રહે છે. પંજાબ સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે અને ર૦૦૭ના શિંગાર સિનેમા બ્લાસ્ટમાં તે વોન્ટેડ છે. લુધિયાણા જિલ્લામાં થયેલા બ્લાસ્ટમાં કુલ છનાં મોત થયાં હતાં. બે સપ્તાહ પૂર્વે પાકિસ્તાની સરહદ નજીક આવેલા ગામ ચક કલાથી ધરપકડ કરાયેલ ખાલિસ્તાની ટેરર ફોર્સના સભ્ય મનદીપસિંહની પૂછપરછના આધારે આ રિપોર્ટ કેનેડા સરકારને સુપરત કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓને જાણ થઇ છે કે મનદીપસિંહે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન દલ ખાલસા ઇન્ટરનેશનલના વડા ગજિન્દરસિંહ અને નીજ્જર સાથે ફોન પર અનેક વખત વાતચીત કરી હતી.

You might also like