બજેટ સત્ર માટે સરકારની નવી વ્યૂહરચના

કેન્દ્ર સરકાર સંસદના બજેટ સત્રની તૈયારીમાં વ્યસ્ત બની છે. આ વખતે તૈયારી જરા જુદા દ્રષ્ટિકોણથી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર સરકાર આ વખતે કોંગ્રેસ પાસેથી કોઈ સહયોગ કે સમર્થનની અપેક્ષા રાખતી નથી. સરકાર એવું માનીને ચાલે છે કે કોંગ્રેસ બજેટ સત્રમાં વધુ હંગામો મચાવશે જેથી સરકાર કોઈ બિલ પસાર કરાવી શકે નહીં. આથી સરકારે હવે જુદી રીતે વિચારવાનું શરૂ કર્યું છે. એક વિચાર એવો ચાલી રહ્યો છે કે કાયદાનો અમલ કરાવવા માટે વહીવટી આદેશો જારી કરવા.

જો આ ઉપાય કારગર લાગશે તો સરકાર બજેટ સત્ર પહેલાં આ દિશામાં પગલાં ભરશે. બીજા વિકલ્પ રૂપે એવો વિચાર થઈ રહ્યો છે કે મહત્ત્વનાં બિલોને નાણાં ખરડા સ્વરૂપે રજૂ કરવાં જેથી તે માત્ર લોકસભામાં પસાર કરાવીને પણ તેને અમલી બનાવી શકાય.

નાણાપ્રધાન અરુણ જેટલીએ એવું કહ્યું છે કે વિરોધ પક્ષને કારણે નહીં પણ કેટલીક વ્યક્તિને કારણે સરકાર મુશ્કેલી અનુભવી રહી છે. સંભવતઃ તેમનો ઈશારો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફ છે. સરકારના મેનેજરો અન્ય વિપક્ષી નેતાઓને એવું સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે માત્ર ને માત્ર રાહુલ ગાંધીને પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસ સંસદને શાંતિપૂર્ણ રીતે ચાલવા દેવા ઇચ્છતી નથી. આથી પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસની આવી રાજરમતનું સમર્થન કરવું જોઈએ નહીં. વિપક્ષના નેતાઓને આ વાત સમજાઈ છે એટલે અનેક નેતાઓ કોંગ્રેસને જ ભીંસમાં લેવાનો વ્યૂહ વિચારી રહ્યા છે.

You might also like