સરકારી મહિલા કર્મચારીઓને કામના કલાકો સિવાય રોકી શકાશે નહીં

અમદાવાદ: રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં કામ કરતી મહિલાઓને તેમના કામકાજના કલાકો સિવાયના સમયે અગત્યના કામે કચેરીમાં રોકવામાં આવતી હોવાની અનેક ફરિયાદોના પગલે આ બાબતે ૧૯પપથી હુકમ અમલમાં હોવા છતાં ફરી એક વાર પરિપત્ર જાહેર કરવો પડ્યો છે.

રાજ્ય સરકારમાં કુલ દોઢ લાખથી વધુ મહિલાઓ અત્યારે ફરજ બજાવી રહી છે. આ અંગે સચિવાલય એમ્પ્લોઇઝ ફેડરેશનના પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે ક્યારેય હાઇકોર્ટની મેટર હોય કે જે તે અધિકારીને તેના વિશે વધુ માહિતી હોય, ફિલ્ડ વર્ક હોય, નિયત સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવાની હોય આવા સંજોગોમાં કયારેક મહિલા કર્મચારીને તેમના કામકાજના સમયના કલાકો કરતાં વધુ સમય માટે રોકવા પડતા હોય છે.

જોકે હવે નવા હુકમ અનુસાર સામાન્ય રીતે મહિલા કર્મચારીને કચેરીના કામકાજના કલાકો બાદ રોકી શકાશે નહીં. ખરેખર જરૂર હોય અને અગત્યની કે તાત્કા‌િલક જરૂરીયાત ઊભી થાય એ સંજોગોમાં નાયબ સચિવ કે સંયુક્ત સચિવ કે કચેરીના વડાની મંજૂરી લઇ એક કલાક અગાઉ તેની જાણ કરી જે તે મહિલાકર્મીને એક કલાકથી વધુ સમય રોકી શકાશે નહીં અને જે મહિલા કર્મચારીને બે વર્ષથી નાનું બાળક હશે તેમને શકય હોય ત્યાં સુધી તેમના ઉપર ખરેખર જરૂરી કામ હોય તે સિવાય અન્ય કામ માટે કચેરી સમય બાદ રોકી શકાશે નહીં. સરકારના વહીવટી વિભાગે આ બાબતે ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યાે છે. તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સચિવાલયમાં આવી ઘટના ઓછી બને છે. શકય છે રાજ્યભરમાં આટલા કર્મચારી કામ કરે છે ત્યારે સરકારે આ બાબત ખાસ ધ્યાને લીધા પાછળનું ચોક્કસ કારણ હશે.

You might also like