સરકાર જીએસટી સહિતના વિધેયક પસાર કરાવવા ફરીથી પ્રયાસ કરશે

નવી દિલ્હી : આર્થિક સુધારાના પગલાંની બાબતે કોંગ્રેસના થોડાક નરમ વલણ બાદ સરકાર હવે શિયાળુ સત્રના છેલ્લાં અઠવાડિયામાં જીએસટી અને રિયલ એસ્ટેટના મહત્વના વિધેયકો પસાર કરાવવા માટે ફરીથી પ્રયાસ કરશે.દરમ્યાન, કોંગ્રેસે આજે અચાનક તેની વ્યૂહનીતિ બદલી હતી અને જણાવ્યું હતું કે ગૃહમાં થતા દેખાવો નેશનલ હેરાલ્ડ કેસને લીધે નહોતા.

આગામી અઠવાડિયે ગૃહમાં જે કામકાજ સૂચવવામાં આવ્યું છે તેમાં બંન્ને ગૃહોમાં વધતી જતી મોંઘવારી પર ચર્ચાનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં તો દેશમાં અનાજ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થયેલા વધારા અંગે ચર્ચા થશે. દેશની એકતા અને વિવિધતા માટે ખતરા રૂપ બની રહેલી વધતી જતી અસહિષ્ણુતાના મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે.

લોકસભામાં છ બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને તે તમામ પસાર થઈ ગયા હતા જ્યારે રાજ્યસભામાં માત્ર એક જ બિલ પસાર થયું હતું. લોકસભામાં પસાર થયેલા દસ બિલની કાર્યવાહી હજુ રાજ્યસભામાં ધરવાની બાકી છે. સંસદીય બાબતોના મંત્રાલયના નિવેદન મુજબ કાયદા ઘડવા અંગે તથા આર્થિક કામકાજ માટે લોકસભામાં સરકારે નવ બાબતો હાથ પર લેવાનું સૂચવ્યું છે. તેમાંથી સાત બાબતો માટે સમય ફાળવવામાં આવ્યો છે.

જીએસટી બિલ માટે પસાર કરવા માટે ચાર કલાકનો સમય ફાળવાયો છે,ત્રણ કલાક રિયલ એસ્ટેટ બિલ માટે અને બે કલાક ભ્રષ્ટાચાર વિરોધી પગલાના વ્હીસલ બ્લોઅર બિલ માટે ફાળવવામાં આવ્યા છે. જીએસટીની બાબતે આગળ વધશે તેવી શક્યતા સરકારે ગઈકાલે કોંગ્રેસને આપેલી કેટલીક દરખાસ્તોને લીધે જણાઈ હતી. શિયાળુ સત્રને પૂરું થવામાં થોડાક જ કામકાજના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોમવારે ફરીથી ગૃહ મળે ત્યારે સરકાર કોંગ્રેસ પાસેથી તે અંગે પ્રતિભાવની આશા રાખી રહી છે.

કોંગ્રેસના નેતાઓનીએક બેઠક આવતીકાલે મળી રહી છે જેમાં પક્ષના ટોચના નેતાઓ આ દરખાસ્તો પર વિચારણા કરશે, જેને લીધે જીએસટી બિલ પસાર થવાનો માર્ગ મોકળો બનશે તેવી સખ્યતા છે. દરમ્યાન, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કાનૂની તકલીફને લીધે સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે તેવી માન્યતાને સુધારવા માટે કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યસભામાં તેના દ્વારા કરવામાં આવેલા દેખાવો વ્યાપમ અને લલિતગેટ કૌભાંડમાં સરકારની નિષ્ક્રિયતા તેમજ દલિત વિરોધી ટિપ્પણી બદલ કેન્દ્રીય પ્રધાન વી કે સિંહને સજા કરવાના ઈનકાર માટેના હતા.

કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે પત્રકારોને કહ્યું હતું,’અમે સંસદમાં દેખાવો ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરતા ભાજપના ત્રણ મંત્રીઓ સામે પગલાં લેવાની નિષ્ક્રિયતાના મુદ્દે કરીએ છીએ, નેશનલ હેરાલ્ડ કેસ ને લીધે નહીં.’ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ કહ્યું કે દેખાવો હેરાલ્ડ કેસ સંબંધિત નહોતા.

You might also like