મમતાનું નવું ગતકડુંઃ સરકાર આગામી મહિને ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરાવશે

(એજન્સી) નવી દિલ્હી: એર સ્ટ્રાઇકને લઇ સરકાર સામે અગાઉ સવાલ ઉઠાવી ચૂકેલાં તૃણમૂલ કોંગ્રેસનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વધુુ એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. મમતા બેનરજીએ જણાવ્યું છે કે આગામી મહિને વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થઇ શકે છે.

મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેટલાક વરિષ્ઠ પત્રકારોએ મને એવું કહ્યું છે કે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થશે. તેમણે જણાવ્યું હતું કે આ કયા પ્રકારનો હુમલો હશે તે હું કહી શકું તેમ નથી. એપ્રિલમાં આવો હુમલો થઇ શકે છે.

મમતા બેનરજીએ એવું પણ જણાવ્યું હતું કે કૃપા કરીને મને ખોટી રીતે પ્રોજેકટ ન કરશો. ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા પ્રત્યે મને ખૂબ જ આદર છે, પરંતુ લોકસભાની ચૂંટણી પ્રક્રિયાને એટલા માટે લાંબી ખેંચવામાં આવી રહી છે કે જેથી ભાજપ પશ્ચિમ બંગાળને પરેશાન કરવા માટે અને રાજ્યમાં માહોલ ખરાબ કરવા વધુ એક સ્ટ્રાઇક કરાવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટેની અમારા પક્ષના ઉમેદવારોની યાદી મંગળવારે જારી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે મમતા બેનરજીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે તેમના આરોપ બેબુનિયાદ છે. રાજ્ય ભાજપના વડા દિલીપ ઘોષે જણાવ્યું છે કે મમતા બેનરજીને બેબુનિયાદ આરોપ મૂકવાની આદત છે. જો તેમની પાસે પુરાવા હોય તો જાહેર કરવા જોઇએ. મમતા બેનરજી હંમેશાં હવામાં વાતો કરે છે.

એક પ્રશ્નના ઉત્તરમાં મમતા બેનરજીએ એવું પણ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પ્રક્રિયા લાંબી ખેંચવા પાછળ ભાજપની મારા અને પશ્ચિમ બંગાળ વિરુદ્ધ એક સા‌િજશ છે, પરંતુ તેમની આ ગણતરી ઊંધી પડશે. તેમણે જણાવ્યું હતું કે સાત તબક્કામાં મતદાનની જાહેરાત માત્ર બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ માટે જ કરવામાં આવી છે.

મમતા બેનરજીએ લાંબી ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ કરતાં જણાવ્યું છે કે તેનાથી ચૂંટણી કર્મચારીઓ તેમજ મતદારો બંને પરેશાન થશે, કારણ કે તેમને આગ ઓકતી ગરમીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રમજાનના પવિત્ર માસ દરમિયાન મતદાન રાખવામાં આવ્યું હોવાથી મુસ્લિમ મતદારોને પણ ભારે મુશ્કેલી પડશે. તેમણે જણાવ્યું હતું કે હું મારા રાજ્યના લોકોને ઓળખું છું. બંગાળના લોકો પ્રત્યે મને ખૂબ જ આદર છે, પરંતુ ભાજપ તેમના પ્રત્યે અનાદર રાખવી રહ્યો છે.

મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના જવાનોની જિંદગી ચૂંટણી રાજનીતિથી ઘણી કીમતી છે, પરંતુ દેશને એ જાણવાનો અધિકાર છે કે બાલાકોટમાં વાયુસેનાએ કરેલા હુમલા બાદ ખરેખર શું થયું હતું?

You might also like