વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણને હવે ફરજિયાત બનાવશે સરકાર

નવી દિલ્હી: વૃદ્ધ માતા-પિતાની સેવાને હવે સરકાર કાયદો બનાવીને ફરજિયાત બનાવશે. કોઇ પણ વ્યકિત માતા-પિતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે. ખૂબ જ જલદી કાયદામાં મોટા પરિવર્તનની તૈયારીઓ થઇ રહી છે. જે હેઠળ વૃદ્ધ માતા-પિતાને સંપૂર્ણ સંરક્ષણ અપાશે. જો કોઇ સંતાન માતા-પિતાની સેવા નહીં કરે તો મા-બાપ સંતાન પાસેેથી ભરણપોષણ મેળવવા હકદાર રહેશે.

હાલમાં આ માટે કોઇ કાયદો નથી. અત્યારે આ માટે પોલીસ અને કોર્ટના ચક્કર લગાવવાં પડે છે. નવા નિયમો હેઠળ એવું નહીં થાય. માતા-પિતા નોડલ અધિકારી પાસે એક ફરિયાદ કરીને ભરણ પોષણ મેળવવા હકદાર બનશે. નોડલ અધિકારીની જોગવાઇ જૂના કાયદામાં પણ છે, પરંતુ અત્યાર સુધી તેમની પાસે માત્ર ફરિયાદો જ થતી નથી.

પરિવર્તન બાદ શકય છે કે તેઓ તેનું નિરાકરણ કરવામાં પણ સક્ષમ હશે અને વૃદ્ધો કોર્ટ-કચેરીની બહાર ચક્કર લગાવવામાંથી બચી શકશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આ અંગે ઝડપથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં તમામ રાજ્યો અને મંત્રાલયો પાસે પણ આ મુદ્દે સલાહ માગવામાં આવી છે. વૃદ્ધ માતા-પિતાનાં ભરણ પોષણને લઇને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો એક કાયદો છે, પરંતુ તેમાં પરિવર્તન લાવીને સરળ બનાવવામાં આવશે.

સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ ખાણીપીણી-રહેેવાની બેસ્ટ વ્યવસ્થા હોય તેવા વધુમાં વધુ વૃદ્ધાશ્રમો ખોલવા ઇચ્છે છે, પરંતુ તે પહેલાં એ પણ ઇચ્છે કે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી સંતાનો ખુદ ઉઠાવે. સેવા ન કરનાર સંતાનો પાસેથી ભરણ પોષણની એક રકમ વસૂલી શકાય છે જે વૃદ્ધ માતા-પિતાને મળશે.

મંત્રાલયનું માનવું છે કે હાલના સમયમાં તેમની પાસે એવા ઢગલાબંધ કેસ છે કે જેમાં સંતાનોએ માતા-પિતાનાં નામની સંપત્તિ વેચીને તેમને ઘરમાંથી કાઢી મૂકયાં હોય. મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓની વાત માનીએ તો આ સંખ્યા છેલ્લાં કેટલાંય વર્ષોથી ઝડપથી વધી રહી છે.

You might also like