એર સ્ટ્રાઇકમાં 300 લોકો માર્યા ગયા હોય તો સરકાર પુરાવા આપેઃ સામ પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિકટના મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ પુલવામા હુમલા અને ત્યાર બાદના એર સ્ટ્રાઇકને લઇને વિવાદસ્પદ નિવેદન કર્યું છે.  સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે પુલવામા હુમલા માટે સંપૂર્ણપણે પાકિસ્તાનને જવાબદાર ગણાવવું યોગ્ય નથી. સરકાર કહે છે કે હુમલા બાદ થયેલ એર સ્ટ્રાઇકમાં ૩૦૦ આતંકીઓ માર્યા ગયા છે અને જો ખરેખર આવું થયું હોય તો સરકારે પુરાવા આપવા જોઇએ. માત્ર હું જ નહીં, પરંતુ સમગ્ર દેશ આ બાબતે જાણવા ઇચ્છે છે.

મેં ન્યૂયોર્ક ટાઇમ્સ સહિત કેટલાય અખબારોમાં એવા અહેવાલો વાંચ્યા હતા કે ભારતના એર સ્ટ્રાઇકમાં કોઇનું મોત થયું નથી. હું જાણવા ઇચ્છું છું કે શું ખરેખર અેર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ખરી? તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઠ લોકો આવે છે અને પુલવામામાં હુમલો કરે છે તો તે માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને જવાબદાર ગણાવી શકો નહીં. કેટલાક લોકો આવીને હુમલો કરી જાય અને તે માટે સમગ્ર દેશને જવાબદાર ગણવો એ બાલીશ વાત છે.

પિત્રોડાનાં આ નિવેદન પર વળતો પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું છે કે તેમનું આ નિવેદન શરમજનક છે. ભાજપના પ્રવકતા સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે સામ પિત્રોડાને શરમ આવવી જોઇએ કે એક બાજુુ તેઓ પાકિસ્તાનને કલીનચિટ આપી રહ્યા છે અને બીજી બાજુ એર સ્ટ્રાઇકને લઇને મોદી સરકારની આલોચના કરી રહ્યા છે.

You might also like