કેન્દ્ર હિંદી તેમજ અન્ય ભાષામાં ૩૦૦ ઓનલાઈન કોર્સ શરૂ કરશે

હાયર એજ્યુકેશનને ડિજિટલ બનાવવાની પોતાની કોશિશ હેઠળ એચઆરડી મંત્રાલય હવે પોતાના ઓનલાઈન પોર્ટલ ‘સ્વયં’ પર હિંદી અને ૧૦ અન્ય ભાષામાં લગભગ ૩૦૦ ઓનલાઈન કોર્સ રજૂ કરશે. આગામી ત્રણ મહિનામાં શરૂ થનારા આ કોર્સ ક્લાઉડ કમ્પ્યૂટિંગ, એન્જિનિયર્સ માટે ટેકનિકલ ઈંગ્લિશ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને એડવર્ટાઈઝમેન્ટ એન્ડ પબ્લિસિટી જેવા વિષય પર હશે.

આ કોર્સનો હેતુ સોફ્ટ સ્કિલને ડેવલપ કરવા અને શિક્ષણને વધુ શ્રેષ્ઠ કરવાનો છે. કોર્સના અંતે પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. હિંદીની સાથે ઓરિયા, તમિળ અને કન્નડ જેવી ભાષામાં આ કોર્સ ઉપલબ્ધ બનશે.

એચઆરડી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેનો દેશમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનું ધ્યેય છે. દેશમાં વિવિધ ભાષાઓ સાથે ૨૨ રાજ્ય છે. અમે સામાન્ય ભાષાઓ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવા સુધી કોશિશ કરીશું.

આ કોર્સ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી અને ચેન્નઈના પ્રોફેસરોની આગેવાની હેઠળ નિષ્ણાતોની એક ટીમ તૈયાર કરી રહી છે. લગભગ ૭૬ યુનિવર્સિટીએ ‘સ્વયં’ દ્વારા કરવામાં આવેલા કોર્સને ક્રેડિટ ટ્રાન્સફર પહેલા જ મંજૂરી આપી દીધી છે. સ્વયં એક MOOC (મેસિવ ઓનલાઈન ઓપન કોર્સ) પ્લેટફોર્મ છે તેની શરૂઆત એચઆરડી મંત્રાલયે જુલાઈમાં કરી હતી. સરકારે ૨૦૧૮ સુધીમાં સ્વયં પર એક કરોડ એનરોલમેન્ટનું લક્ષ્ય સિદ્ધ કરવા માગે છે.

You might also like