આજથી દેશભરમાં E-way બિલ લાગુ, જાણો નિયમો, કોણ કરી શકશે વાહનોની તપાસ?

દેશભરમાં આજથી ઈ-વે બિલ સંપૂર્ણ રીતે લાગૂ થઈ ગયું છે. દેશભરમાં આજથી માલ સામાનની હેરફેર માટે ઈ-વે બિલ ફરજિયાત હશે. નવી વ્યવસ્થા અંતર્ગત હવે 50 હજારથી વધુની કિંમતના માલના આંતરરાજ્ય પરિવહન તેમજ રાજ્ય અંતર્ગત 2 લાખથી વધુની કિંમતના માલના પરિવહન પર ઈ-વે બિલ આપવું ફરજિયાત છે.

બિહારના ઉપમુખ્યમંત્રી અને સહાય નાણામંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, બિહાર સહિત દેશભરમાં 1લી ફેબ્રુઆરીથી ઈ-વે બિલ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે સુશીલ મોદીએ આ મામલે જણાવ્યું કે અલગ અલગ રાજ્યમાં માલના પરિવહન પર અલગથી ટ્રાન્ઝિટ પાસની જરૂર નહીં રહે.

વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, વાણિજ્ય કર વિભાગના અધિકારી માલ સામાન ભરેલા વાહનોની તપાસ કરી શકશે, પરંતુ વાહનને 30 મિનિટથી વધુ નહીં રોકી શકે. ઈ-વે બિલ જનરેટ કરવું ઘણું સરળ છે.

દેશભરમાં 16 જાન્યુઆરીથી જ ઈ-વે બિલનું ટ્રાયલ રન શરૂ થઈ ચૂક્યું છે. જો કે કેટલાક વ્યાપારીઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ઈ-વે બિલ માટે જીએસટી પોર્ટલથી અલગ વેબસાઈટ બનાવવામાં આવી છે. વ્યાપારીઓ અને ટ્રેડર્સ આ વેબસાઈટ પર જઈ ઈ-વે બિલ જનરેટ કરી શકશે.

You might also like