ખેડૂતોને નુકસાનકર્તા પગલાંની જવાબદારી લે: કોંગ્રેસ

ગાંધીનગર: કેન્દ્રની મોદી સરકારે કિસાનો માટે કરેલ પાકવીમા યોજના અને તે અંગે રાજયના મુખ્યમંત્રીએ જાહેર કરેલી વિવિધ જાહેરાતો અંગે કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાઘવજી પટેલ અને ખેડૂત નેતાઓ કુંવરજી બાવળિયા અને વિરજી ઠુમ્મરે આકરી પ્રતિક્રિયા આપતાં સયુંકત રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પાકવીમાના નામે જાહેરાતો કરતાં પહેલાં ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં ખેડૂતોને નુકસાન થાય એવા લીધેલા પગલાં અંગે તેઓ જવાબદારી સ્વીકારે. ભાજપની ખેડૂત વિરોધી નિતીઓને કારણે ગુજરાતમાં છેલ્લા ૧૪ વર્ષમાં ૧૦ હજાર કરતાં વધુ ખેડૂતો અને ખેતી આધારિત ખેતમજદૂરોએ આપઘાત કરવાની ફરજ પડી છે.

તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને કારણે હજારો ખેડૂતોને તેમના પાકવીમા નાણાં છેલ્લાં ૬ વર્ષથી મળતા નથી. ભાજપ સરકારે ગુજરાતમાં પાકવીમો મેળવવા માટે જરૃરી પાણીપત્રક અને ૭/૧૨માં પાકની વિગતો નોંધાતી નથી અને ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં ૬-૬ વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર અપાયું નથી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોએ મોંઘી વીજળી, સિંચાઈ માટે પાણી ન મળવું, બિયારણ અને ખાતરના કાળા બજાર અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો ન આપવાના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે. ગુજરાતના ખેડૂતોની હિતની દુહાઈ દેતા મુખ્યમંત્રી અને ભાજપ સરકાર જવાબ આપે કે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિના કારણે કેટલા ખેડૂતોને તેમનું વળતર  ચુકવાયું ?, નર્મદા યોજનામાં સિંચાઈનું પાણી હોવા છતાં કેટલા ખેડૂતો લાભથી વંચિત છે.

You might also like