સરકારે ગુમ થયેલા વિમાનની ભાળ મેળવવા અમેરિકા સહિત વૈશ્વિક મદદ માંગી

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાનાં ગુમ થયેલા એએન-32 વિમાનની એક અઠવાડીયા પછી પણ કોઇ ભાળ મળી નથી. જેનાં પગલે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે સરકારે ગુમ વિમાન શોધવા માટે હવે અમેરિકા પાસે મદદ માંગી છે. પર્રિકરે ગુમ વિમાન અંગે ગુરૂવારે રાજ્યસભામાં આપેલા પોતાનાં નિવેદન અંગે અલગ અલગ સભ્યો દ્વારા પુછાયેલા સવાલ અંગે સ્પષ્ટીકરણ આપતા આ વાત કરી હતી.

પર્રિકરે જણાવ્યું કે સરકારે વિવિધ નકશાની તપાસ કરવા માટે અમેરિકા પાસે મદદ માંગી છે. સાથે જ અમેરિકા સંરક્ષણ દળોનાં ઉપગ્રહોની પણ મદદ લેવાઇ રહી છે. તેમનાં ઉપગ્રહમાં 22 જુલાઇએ કોઇ પ્રકારનાં સિગ્નલ પકડાયા હતા કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 22 જુલાઇએ જ 29 લોકોને લઇને જઇ રહેલ વિમાન ગુમ થયું હતું. તેમણે કહ્યું કે આપણા ઉપગ્રહોનાં નકશાની તપાસ તો ચાલી જ રહી છે પરંતુ અમેરિકાનાં ઉપગ્રહોનાં સિગ્નલ અંગે પણ તપાસ કરાવીશું. ઉપરાંત અન્ય દેશોને પણ આપણે જાણ કરી છે.

આશા છે કે પ્રયાસો સફળ રહેશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વિમાન હાલમાં જ ઘણા ફેરફાર અને રિપેરિંગ કરવામાં આવ્યું હતુ. તે નવા જેટલું જ મજબુત હતું. હું સભ્યોની ઉદ્વિગ્નતા સમજી શકું છું. હું પણ વિમાન અચાનક ગાયબ થઇ જવાનાં કારણે ઘણો પરેશાન છું મે આ અંગે વિવિધ વિશેષજ્ઞો અને પુર્વવાયુસેના પ્રમુખો સાથે પણ આ અંગે ચર્ચા કરી છે. તેઓ પણ આ પ્રકારે વિમાન ગાયબ થઇ જવાનાં કારણે ભારે અચંબામાં છે.

કોઇ એસઓએસ (ઇમરજન્સી સંદેશ) અથવા કોઇ ફ્રિકવન્સનું પ્રસારણ ન કરવામાં આવ્યું. અચાનક જ વિમાનનું ગુમ થઇ જવું એક મોટી બાબત છે. ઉપરાંત કોઇ તોડફોડ અંગેનાં જવાબમાં તેમણે કહ્યું કે કોઇ અટકળો લગાવવી યોગ્ય નથી કારણ કે શોધખોળ ચાલી રહી છે. કોઇ તોડફોડની આશંકા ઓછી છે. ભારતીય નૌસેનાનાં 10 જહાજ અને સબમરીન સિંધુ ધ્વજ શોધખોળ ચલાવી રહ્યા છે. તેમણે લગભગ તમામ વિસ્તાર તપાસ્યો છે. પરંતુ હજી સુધી કોઇ ભાળ મળી નથી.

You might also like