હાઈકોર્ટમાં જજની નિમણૂક માટે સરકારે 69 નામની સુપ્રીમ કોર્ટને ભલામણ કરી

નવી દિલ્હી: કાયદા મંત્રાલયે વિવિધ રાજ્યની હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિઓ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને ૬૯ ઉમેદવારોનાં નામ ભલામણ સાથે મોકલી આપ્યાં છે. હાઇકોર્ટમાં જજની નિમણૂકની પ્રક્રિયા અનુસાર અગાઉ સૌ પહેલાં પહેલાં હાઇકોર્ટની કોલેજિયમ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોનાં નામ કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલવામાં આવે છે.

કાયદા મંત્રાલય આ નામને સુપ્રીમ કોર્ટની કોલેજિયમને મોકલતાં પહેલાં ઇન્ટેલિજન્સ બ્ય્ૂરોને મોકલે છે. ત્યાંથી ક્લીન‌િચટ મળ્યા બાદ કાયદા મંત્રાલય પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને મોકલે છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની પાસે સરકારની ભલામણ પ્રાપ્ત થયા બાદ જજની નિમણૂક પર આખરી નિર્ણય લેવામાં આવે છે.

જોકે એ જરૂરી નથી કે હાઇકોર્ટ જેટલાં નામની ભલામણ કરે એ તમામને જજ બનાવી દેવામાં આવે. મોટા ભાગના કિસ્સામાં ભલામણ કરવામાં આવેલ પ૦ ટકા નામ સુપ્રીમ કોર્ટ ફગાવી દેતી હોય છે. અત્યાર સુધી આ સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ ર૦૧૬માં ૧ર૬ જજની નિમણૂક કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વાતંત્ર્ય બાદ એક વર્ષ દરમિયાન કરવામાં આવેલ સૌથી મોટી નિમણૂક ગણાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની કુલ ર૩ હાઇકોર્ટમાં ૮૬ નવા જજની નિમણૂક થાય છે. કોલેજિયમ સુપ્રીમ કોર્ટના પાંચ જજનું બનેલું એક ગ્રૂપ છે, તેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર મોસ્ટ જજનો સમાવેશ થાય છે.

જોકે જજની નિમણૂક માટે કોલેજિયમની જોગવાઇનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ થયેલ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના પાંચ સિનિયર મોસ્ટ જજની કોલેજિયમ જ નિમણૂક કે બદલીનો નિર્ણય કરે છે. કોલેજિયમની ભલામણ માનવી સરકાર માટે જરૂરી હોય છે. જજની નિમણૂક અને બદલીની આ વ્યવસ્થા ૧૯૯૩થી અમલી છે.

You might also like