સરકારી કર્મી-પેન્શનરોને રૂપિયા ૧૦,૦૦૦ કેશ આપવા સૂચના

નવી દિલ્હી: રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ કરાયા બાદ આ સપ્તાહે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગાર દિવસમાં રોકડની કટોકટી ઊભી ન થાય અને કર્મચારીઓ તેમજ પેન્શનરોને પગાર ઉપાડવામાં મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે બેન્કોને ખાસ સૂચના જારી કરી હોવાનું જાણવા મળે છે.

સરકારે તમામ બેન્કને એવી સૂચના આપી છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પગારમાં રૂ. ૧૦,૦૦૦ કેશમાં આપવાની અલગ વ્યવસ્થા કરવામાં આવે. આ અંગે કર્મચારી સંઘના નેતા શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેટલાંક સ્થળોએ સરકારી કર્મચારીઓને રૂ. ૧૦,૦૦૦ની કેશ અગાઉ પણ આપવામાં આવી છે. તેમ છતાં હજુ કેટલાંક સ્થળોએ રોકડ રકમની અછત છે, પરંતુ સરકારને આશા છે કે આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

રાજસ્થાનથી મળતા અહેવાલો અનુસાર બેન્કોને એવી સૂચના મળી છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શન ચૂકવવા માટે બેન્કો અલગ વ્યવસ્થા કરે. આ પરથી એક વાત સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીઓને માત્ર રૂ. ૧૦,૦૦૦ રોકડમાં આપવામાં આવશે અને બાકીનો પગાર અગાઉની જેમ બેન્ક ખાતામાં જ જમા રહેશે.

કર્મચારી સંઘના સંયોજક શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે નોટબંધી બાદ સર્જાયેલી રોકડ રકમની અછતને ધ્યાનમાં લઈને કર્મચારી સંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ સચિવને પત્ર લખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રોકડ રકમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like