જો ‘પાન’ આપવામાં નહીં આવે તો બેન્ક ખાતાં ફ્રીઝ થઈ જશે

નવી દિલ્હી: તમારું બેન્ક ખાતું જૂનું હોય કે નવું, જો તમે બેન્કમાં પાન નંબર નહીં આપ્યો હોય તો તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવશે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને નોટિસ મોકલીને પાન નંબર રજૂ કરવા અપીલ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને બેન્ક તરફથી નોટિસ બજાવવામાં આવી છે. જો કોઈ કારણસર ખાતાધારક પાસે પાન નંબર ન હોય તો તેઓ ફોર્મ-૬૦ ભરીને જમા કરાવી શકે છે. હવે બેન્ક ખાતાં ધારકો માટે પાન નંબર આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડ લાઈન્સ હેઠળ બેન્કો હવે તમામ ગ્રાહકો પાસે પાન નંબરની માગણી કરી રહી છે. નોટબંધી બાદ બેન્કમાં મોટી સંખ્યામાં એ‍વાં ખાતાંમાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જેમના પાન નંબર અપડેટ થયેલા ન હતા. આ સંદર્ભમાં સરકારે તમામ ખાતાઓને પાન નંબર સાથે લિંક કરવાનો આદેશ કર્યો છે.

ઈન્કમટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાન નંબર બેન્ક ખાતા સાથે અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. જો આ આખરી તારીખ સુધીમાં પાન નંબર કે ફોર્મ ૬૦ જમા નહીં કરાવવામાં આવે તો તેમનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવશે. લીડ બેન્ક મેનેજર આર.એસ. મીણાના જણાવ્યા અનુસાર ગાઝિયાબાદ જિલ્લામાં હજુ સુધી ૩૦ ટકા ખાતાં જ પાન નંબર સાથે લિંક છે, જ્યારે ૭૦ ટકા ખાતાં પાન નંબર સાથે ખોલવામાં આવ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like