સરકાર સાથે વાત કરીશું પણ મુખ્ય માગણી અનામતની જ રહેશે

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ગઇ કાલે પાટીદાર અનામત આંદોલન મુદ્દે વાતચીતની તૈૈયારી દર્શાવતાં આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે રાજ્ય સરકાર સાથેની વાતચીતમાં અમારી મુખ્ય માગણી અનામતની રહેશે.

પાસના કન્વીનર વરુણ પટેલ સમભાવ મેટ્રોને કહે છે રાજ્ય સરકાર સાથે વાતચીત કરવા અમે ચોક્કસ જઇશું, પરંતુ વાતચીત દરમિયાન અમારો સમાધાનનો મુખ્ય મુદ્દો અનામત રહેશે. જોકે પાસને ભૂતકાળમાં સરકાર તરફથી કડવો અનુભવ થઇ ચૂકયો છે.

રાજ્ય સરકારે આવતી કાલે યોજાનારી રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોકે પે ચોગ્ગા લગાવ્યાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. વરુણ પટેલ વધુમાં કહે છે કે નીતિનભાઇ પટેલે પોતાની રાજકીય સુઝ બુઝના આધારે વાતચીતની વાત ઉચ્ચારી છે, પરંતુ અમને રાજ્ય સરકાર પર વિશ્વાસ નથી. દિનેશ બાંભણિયા પર હુમલો કરનાર યુવકોને પણ રાજ્ય સરકારનો આશ્રય હતો.

આ દરમિયાન હાર્દિક પટેલે ગઇ કાલે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે ફકત ટીવીના માધ્યમથી જાહેરાત કરી છે. આંદોલનમાં સરકાર સાથે ૧૪ વાર મુલાકાત થઇ છે. તમામ મુલાકાતમાં બંધારણીય અનામત સહિતની ચારેક માગણીઓ રહી છે. સમાજ માટે હજુ એક વાર મુલાકાત કરીએ, પરંતુ આંદોલન તોડવાનો પ્રયાસ થશે તો તે સાંખી નહીં લેવાય. સમાધાનનો મુુખ્ય મુદ્દો અનામત છે.

દરમિયાન રાજકોટની પટેલ સમાજની વાડી ખાતે ૯ ઓગસ્ટની સાંજે ૪-૦૦ વાગ્યે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સ્વમાન સભા યોજવાની જાહેરાત કરાઇ છે અને આ માટેના સોશિયલ મીડિયા પર મેસેજ પણ ફરતા થયા છે.

You might also like