સરકારી કચેરીમાં અધિકારીનાં નામ-નંબર મૂકવાનો આદેશ કાગળ પર

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના અધિકારપત્રના કાયદાનો અમલ કરવાના કરાયેલા એપ્રિલના આદેશને ખુદ સરકારી વિભાગના અધિકારીઓ જ ઘોળીને પી ગયા છે. સામાન્ય માણસને કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ કામ માટે જવાનું થાય ત્યારે કોને ક્યારે મળવું, કયા કામ માટે કયા અધિકારી મળી શકે, ફોલોઅપ માટે ફોન નંબર વગેરે તમામ માહિતી દર્શાવતું બોર્ડ કચેરીમાં મૂકવાનું ફરજિયાત કરાયું છે.

જે સરકારી વિભાગો કે કચેરીઓમાં સૌથી વધુ નાગરિકોની અવરજવર રહે છે તેવી આરટીઓ કચેરી, કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ક્યાંય સરકારે નાગરિક અધિકારપત્રના કાયદાનો અમલ કરતો આદેશ કર્યો હોવા છતાં ત્રણ માસનો સમયગાળો વીતી જવા છતાં હજુ સુધી એક પણ સરકારી વિભાગ તેનો અમલ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું નથી. રાજ્યની તમામ જાહેર કચેરીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરે જન સુવિધા સાથે સંકળાયેલી સીધી કચેરીઓમાં નિયુક્ત થયેલા અધિકારીનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી સહિતની માહિતીવાળું બોર્ડ લગાવવાની સૂચના ખુદ સરકારના વહીવટી વિભાગે આપી છે.

જન સુવિધા સાથે સંકળાયેલી ૨૬૮ સુવિધાઓ જેવી કે જન્મ-મરણ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાતિ અંગેનો દાખલો વગેરે સેવાઓની યાદી અને આ કામકાજ માટે કેટલો સમય લાગશે તે દર્શાવતું બોર્ડ મૂકવાનું ફરજિયાત બનાવાયું છે, જેથી સામાન્ય જનતા તેને વાંચી સમજી શકે, પરંતુ જન સુવિધા સાથે સંકળાયેલા કચેરીઓના અધિકારીઓ સરકારના નિયમોનું પાલન નહીં કરતા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે.

કઈ જન સેવા સામાન્ય નાગરિકને કેટલા દિવસમાં મળશે તે જાણવાનો અધિકાર નાગરિક અધિકારપત્ર પ્રમાણે હક છે, પરંતુ આ નિયમ કે માહિતી જનતા જાણી ન જાય તે માટે જન સુવિધાની કચેરીમાં જાણીબુઝીને આવાં બોર્ડ લગાવવામાં આવતાં નથી. ૨૦૧૬થી સરકારે આ કાયદો અમલી કર્યો છે, તેના માટે તમામ સરકારી કચેરીઓને આદેશ કરાયો છે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે એપ્રિલમાં આવો આદેશ થયો છે, તેના માટે સરકારી અધિકારીઓને સૂચના અપાઈ છે, પરંતુ તેનો અમલ થયો નથી તે વાત પણ સાચી છે.
અમે કચેરીમાં આ બાબતે તાત્કાલિક અમલીકરણ થાય તે માટે પ્રયત્ન કરીશું.

You might also like