ફેસબુક યુઝર્સ ડેટા લીક મામલે કેમ્બ્રિજ એનાલિટિકાને ભારત સરકારની નોટિસ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ફેસબુક યુઝર્સના ડેટાની ચોરીના મામલામાં કેમ્બ્રિજ એનાલિટિકાને નોટિસ જારી કરી છે અને ૩૧ માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે. સરકારે ફેસબુક સાથે સંકળાયેલ કેમ્બ્રિજ એનાલિટિકાનો ખુલાસો માગ્યો છે કે શું તે ભારતીય યુઝર્સના ડેટાની ચોરી અને દુરુપયોગ કરવામાં તેમજ તેમની મતદાન કરવાની પેટર્નને પ્રભાવિત કરવામાં સંડોવાયેલ હતી કે કેમ? એટલું જ નહીં આ નોટિસ દ્વારા કંપનીનો એ પણ ખુલાસો માગવામાં આવ્યો છે કે કયા કયા એકમોએ તેની સેવાઓ લીધી હતી અને તે કેવા પ્રકારના ડેટા રાખે છે અને તેણે યુઝર્સની સંમતિ લીધી હતી કે કેમ?

ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેમ્બ્રિજ એનાલિટિકાને નોટિસ જારી કરવામાં આવી છે. આ માલિકી હક અને ડેટાનો દુરુપયોગ કરીને યુઝર્સનો પ્રોફાઇલ બનાવવા અને તેના મતદાન કરવાની પેટર્નને પ્રભાવિત કરવા જેવા ગંભીર ઉલ્લંઘનનો મામલો છે.

મંત્રાલયે કંપનીને પૂછયું છે કે શું આ ડેટાના આધારે પ્રોફાઇલ બનાવવામાં આવી હતી? આ અગાઉ આ જ સપ્તાહમાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયાની અગ્રીમ કંપની ફેસબુકને ચેતવણી આપી હતી કે જો તેણે ડેટાના આધારે ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરમિયાન ચૂંટણી સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના ડેટાની ચોરી કરીને દેશમાં આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને પ્રભાવિત કરવાની સા‌િજશ સામે આવ્યા બાદ ચૂંટણીપંચ પણ સતર્ક બની ગયું છે. બહારના પ્રભાવથી ચૂંટણી પ્રક્રિયાનું રક્ષણ કરવા માટે ચૂંંટણીપંચે પગલાં લેવા માટે તૈયારી કરી લીધી છે.

ફેસબુક ડેટા લીકને લઇ કંપનીના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને જંગી નુકસાન થયું છે. માત્ર પાંચ જ દિવસમાં જ માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં રૂ.પ૩,૦૦૦ કરોડનો જંગી ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેકસ અનુસાર ૧૮ માર્ચે તેમનું નેેટવર્થ રૂ.૭૪ અબજ ડોલર હતું તે ઘટીને ગત સોમવારે ૬૭.૩ અબજ ડોલર થઇ ગયું હતું.

You might also like