સરકારી નંબર પ્લેટ લગાવેલી કારમાંથી ધારદાર છરો મળ્યો

અમદાવાદ: મહિન્દ્રા એસયુવી કારમાં સરકારી નંબર પ્લેટ લગાવી ફરતા યુવકની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અખિલેશભાઇ ગઇ કાલે શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ફરજ પર હાજર હતા ત્યારે એક મહિન્દ્રા એસયુવી કાર ચાલકે સિગ્નલનો ભંગ કર્યો હતો. જેથી અખિલેશભાઇએ કાર રોકી મોબાઇલથી એટીપીએમ દ્વારા ઇ-મેમો બનાવ્યા હતા. કારની નંબર પ્લેટ સરકારી હોવાનું જણાવતાં કાર ચાલકને પૂછતાં કાર તેના માસીના દીકરાની છે અને અમદાવાદમાં ‘આઇએમએ ગુજ્જુ’ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલે છે તેમાં કાર ઉપયોગમાં લેવાની હોવાથી સરકારી નંબર પ્લેટ લગાવી છે.

કારચાલકની પૂછપરછ કરતા તેનું નામ મહંમદ યુસુફ બાબુખાન રાજડ (સિંધી) (ઉ.વ.૩૩, રહે. કેતકી સોસાયટી, વેજલપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં એક ધારદાર છરો અને નાની છરી મળી આવ્યાં હતાં. આ બાબતે પૂછપરછ કરતા યુસુફે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લાંતલ્લાં કરતો હતો. જેથી નારણપુરા પોલીસ સ્ટેશન લઇ જઇ મહંમદ યુસુફની વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like