ડિસેમ્બર પછી ઘણી પેઢીઓ નબળી પડી જવાની આશંકા

અમદાવાદ: સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કર્યાને ૧૦ દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ તેની સામે જે વ્યવસ્થા ઊભી થવી જોઇએ તે વ્યવસ્થા નહીં ઊભી થવાના કારણે કારોબારી જગતમાં ચિંતા ઊભી થયેલી જોવા મળી છે. તેઓના કહેવા પ્રમાણે આ પ્રકારની સ્થિતિ હજુ ઝડપથી ઉકેલાય તેવા આસાર બહુ દેખાતા નથી. આ જોતાં ઊભી થયેલી કેશ ક્રાઇસિસની સિચ્યુએસનના પગલે ડિસેમ્બર બાદ ઘણી કારોબારી પેઢીઓના શટર પડી જવાની ભીતિ સેવાઇ રહી છે.

કારોબારીઓના કહેવા પ્રમાણે નવો કારોબાર કરવાથી તેઓ હાલ દૂર જઇ રહ્યા છે. તો બીજી બાજુ જૂની ઉઘરાણી પણ આવતી નથી. બજારના નાણાકીય રોટેશન તદ્દન ઠપ જેવાં છે. નાણાકીય પ્રવાહિતાના અભાવ વચ્ચે નવો ધંધો પણ મળતો નથી અને ૧૦ દિવસમાં પાંચથી સાત ટકા ધંધો જ થયો છે. આ સંજોગોમાં આ પરિસ્થિતિ હજુ ઝડપથી ઉકેલાય તેવી કોઇ શક્યતા જણાતી નથી.

આ જોતાં ડિસેમ્બર બાદ વાસ્તવિક સ્થિતિ બહાર આવશે, જેના પગલે ઘણા કારોબારીઓને શટર બંધ કરવાનો વારો આવશે. ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સ, ટેક્સટાઇલ્સ, ખાસ કરીને નાના અને મધ્યમ કદનાં એકમો, કેમિકલ્સ, જ્વેલર્સ તથા નાનાં ઔદ્યોગિક એકમોની મુશ્કેલીઓ વધી શકે છે.

આ અંગે ગુજરાત કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ બિપીન પટેલે જણાવ્યું હતું કે વર્તમાન ઊભી થયેલી પરિસ્થિતિમાં કારોબારીજગતને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટૂંકા સમયગાળામાં રાહત જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. એટલું જ નહીં ટૂંકા ગાળામાં હજુ વધુ મુશ્કેલી જોવાઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને થાળે પડતાં હજુ ચારથી છ માસનો સમય લાગી શકે છે.

You might also like