પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાના મૂડમાં નથી સરકાર!

આસમાને પહોંચેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાંથી હાલ રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાના મૂડમાં નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, નાણાં મંત્રાલય ઇચ્છે છે કે, રાજ્ય સરકાર ફ્યૂઅલ પર સેલ્સ ટેક્સ કે વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ઓછું કરી લોકોને રાહત આપે.
સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા 55 મહિનાની ટોચની સપાટીએ પહોંચી ગઈ હતી. પેટ્રોલની કિંમત લિટર દીઠ 74.50 રૂપિયા અને ડીઝલની કિંમત લિટર દીઠ 65.75 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

વિત્ત મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, ”રાજકોષીય ખાધ ઓછું કરવાના ઉદ્દેશથી ચાલી રહેલી સરકાર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવા માંગતી નથી.”પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં ચોથો ભાગ એક્સાઇઝ ડ્યૂટીનો જ હોય છે. તેમણે કહ્યું છે કે, ‘એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવી એ એક રાજકીય નિર્ણય હશે, પરંતુ જો અમારે રાજકોષીય ખાધ બજેટ મુજબ રાખવું હશે તો આવાં નિર્ણયોથી બચવું પડશે.’

સરકારનો ઉદ્દેશ ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDPના 3.3% કરવાનો છે, ગત નાણાકીય વર્ષમાં તે 3.5% હતી. અધિકારીના જણાવ્યા મુજબ, ‘ક્રૂડ ઓઇલની કિંમતોમાં દર એક રૂપિયે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર સરકારને 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. પેટ્રોલિયમ મંત્રાલયે હાલ સત્તાવાર રીતે એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવાનું કહ્યું નથી. અધિકારીએ કહ્યું છે કે, ‘લોકો પરથી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો બોજ ઓછો કરવા માટે રાજ્યોએ વેટમાં કાપ મૂકવો જોઈએ.’

કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 15.22 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે. તેલ પર રાજ્ય સેલ્સ ટેક્સ અથવા તો VAT અલગ-અલગ દરે લગાવવામાં આવે છે.

You might also like