સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને લાખોનું કૌભાંડ

અમદાવાદ: સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાના કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસે વડોદરામાંથી ત્રણ શખસોને ઝડપી લઈ અાગળની સઘન કાર્યવાહી શરૂ કરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગરમાં ઈન્ફોસિટી ખાતે અભ્યાસ કરતા ખેડૂત ભોગીલાલ અંબાલાલ પટેલના પુત્ર નકુલને બાર સાયન્સમાં ૯૨ પર્સન્ટાઈલ અાવ્યા હતા. અા વિદ્યાર્થીને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે રજનીશ તિવારી, અજય શર્મા અને નિશા પટેલની નામની વ્યક્તિના ફોન અાવ્યા હતા અને પ્રવેશ માટે રૂ. ૩૫ લાખ થશે તેમ જણાવી વડોદરાની ઓફિસે બોલાવી રૂ એક લાખ એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.

અા પછી અા વિદ્યાર્થીને ફોર્મના વેરિફિકેશન માટે ઝાંસી અને વડોદરા ખાતે બે વાર બોલાવી રૂ. ૧૨ લાખની રકમ લઈ લીધી હતી. અા પછી એડમિશન લેટર લેવા માટે ઉદેપુર બોલાવ્યો હતો પરંતુ કૌભાંડકારો ઉદેપુર અાવ્યા ન હતા. અામ પોતે છેતરાયો હોવાની જાણ થતાં અા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં અાવતાં પોલીસે ઉપરોક્ત ત્રણેયની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેડિકલ કોલેજના પ્રવેશના બહાને અાંતરરાષ્ટ્રીય કૌભાંડ અાચરતી અા ટોળકી ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલા સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ડેટા મેળવી તે ડેટાના અાધારે તેમને ફોન કરી મેડિકલ કોલેજમાં પ્રવેશના બહાને લાલચ અાપી નાણાં ખંખેરતી હોવાની તપાસમાં ખૂલ્યું છે. અા કૌભાંડમાં સંડોવાયેલા નીતિન શર્મા અને બ્રિજેશની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળતા પોલીસે દિલ્હીના રહીશ સોનુ અને દિલીપસિંહની પણ શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

You might also like