સરકાર મેડિકલ એડમિશનનાં કાળાં નાણાંના કારોબારને નાથી શકશે?

ખાનગી મેડિકલ કોલેજોમાં લેવાતા બેફામ ડોનેશનની વાતો લાંબા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ. ડોનેશન દ્વારા આપવામાં આવતાં એડમિશનની ચર્ચા પણ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તેનાં મૂળ સુધી જવાના પ્રયાસો બહુ ઓછા થયા છે. તાજેતરમાં આ દિશામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ એક અખબાર દ્વારા કરવામાં આવ્યો હતો કે મેડિકલ કોલેજમાં એડમિશન માટે રૂ.૧ર,૦૦૦ કરોડના કાળાં નાણાંનો કારોબાર ચાલી રહ્યો છે.

આ સમગ્ર કારોબાર કાળા નાણાં પર જ આધારિત છે અને તેથી તેમાં કોઇ પણ લેવડદેવડનો રેકર્ડ રાખવામાં આવતો નથી કે કાળાં નાણાં દ્વારા લેવામાં આવતાં એડમિશનના કોઇ નક્કર પુરાવા પણ મળતા નથી. તેના પરિણામે આ સમગ્ર કૌભાંડ અંગે કોઇ નક્કર તારણો પર આવવું મુશ્કેલ છે.

અત્યાર સુધી આપણે કયારેય આઇઆઇટી અને એઇમ્સમાં કન્ફર્મ એડમિશન અથવા તેમાં એક સીટ બુક કરવાની જાહેરાત નહીં જોઇ હોય. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝમાં તમારી પસંદની સર્વિસમાં પસંદગી થવાની પણ કોઇ જાહેરાત કયારેય જોવા નહીં મળે. તેમ છતાં દેશભરના મીડિયામાં એમબીબીએસ બેઠકોની જાહેરાતોની ભરમાર છે. આવા સંજોગોમાં સવાલ ઊઠે છે કે જો એડમિશન મેરિટના આધારે થતું હોય તો કોઇ વ્યકિત ‘ડાયરેકટ એડમિશન’નો વાયદો કેવી રીતે કરી શકે?

આ વાયદાની પાછળ પ્રાઇવેટ કોલેજોની મેડિકલ બેઠકોનું બ્લેક માર્કેટ છે. કોલેજ મેનેજમેન્ટ અને એજન્ટો મળીને પ્રાઇવેટ કોલેજોમાં ૩૦,૦૦૦થી વધુ એમબીબીએસ અને ૯૬૦૦ પીજીની બેઠકો વેચવાનું કામ કરે છે. દરેક બેઠકમાં દર વર્ષે ૧ર,૦૦૦ કરોડ રૂપિયાનું કાળંુ નાણું આમતેમ થાય છે.

ભારતમાં ૪રર મેડિકલ કોલેજોમાંથી રર૪ પ્રાઇવેટ છે, તેમાં એમબીબીએસની પ૩ ટકા બેઠકો હોય છે. એમાંથી કેટલીયે કોલેજોમાં ખૂબ જ ઓછી સુવિધાઓ છે, તેમાં દર્દી પણ નથી અને ફેકલ્ટી પણ નહીં. એમબીબીએસની એક બેઠકની કિંમત બેંગલુરુમાં એક કરોડ રૂપિયા અને યુપીમાં રપથી ૩પ લાખ રૂપિયા હોય છે. રેડિયોલોજી અને ડર્મેટોલોજીની બેઠકોની કિંમત ત્રણ કરોડ રૂપિયા સુધી બોલાય છે.

આ બેઠકો માટે વહેલા તે પહેલાના ધોરણે જોગવાઇ હોય છે. પહેલેથી બુક કરાવતાં તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળે છે. એક વાર મેડિકલ પ્રવેશ પરીક્ષાનાં પરિણામ જાહેર થઇ જાય ત્યાર બાદ પ્રાઇવેટ કોલેજોમાં એક બેઠકની કિંમત ડબલ થાય છે. માત્ર એમબીબીએસની બેઠકો દર વર્ષે ૯,૦૦૦ કરોડ રૂપિયામાં વેચાય છે. મેરિટવાળા કેટલાય વિદ્યાર્થીઓને જબરદસ્તીથી બહાર કાઢવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશની કુલ ૪રર મેડિકલ કોલેજોમાં રર૪ કોલેજો ખાનગી છે. આ ખાનગી કોલેજોના દાયરામાં એમબીબીએસની પ૩ ટકા સીટ આવે છે. મોટાં ભાગનાં રાજ્યોમાં કોલેજો પાસે ૧પ ટકા એનઆરઆઇ સીટનો કવોટા હોય છે અને મેનેજમેન્ટ પોતાની મનસુફીના આધારે આ સીટ પર કોઇને પણ એડમિશન આપી શકે છે. એક અંદાજ અનુસાર બેંગલુરુની જાણીતી કોલેજોમાં એમબીબીએસના પ્રવેશ માટે રૂ.એક કરોડ સુધીનું ડોનેશન લેવામાં આવે છે. જ્યારે યુપીની કોલેજમાં ર૦થી રપ લાખમાં મેડિકલમાં એડમિશન મળે છે. એમડીની સીટ માટેનો આંકડો રૂ.ત્રણ કરોડ સુધી પહોંચે છે.

આમ સંપૂર્ણપણે બ્લેકમની પર ચાલતો આ કારોબારનો આંકડો રૂ.૧ર,૦૦૦ કરોડથી પણ વધુ સુધી પહોંચી ગયો છે. વિદેશોમાંથી કાળું નાણું પરત લાવવાના મોટા મોટા દાવાના સહારે સત્તા પર આવેલી મોદી સરકારે બ્લેક મનીના આટલા મોટા આ સ્રોતની ઉપેક્ષા કરવી જોઇએ નહીં. આપણે આશા રાખીએ કે મ‌ેડિકલમાં એડમિશન માટે ચાલતાં કાળાં નાણાંના કારોબાર અંગે સરકાર સક્રિય થઇ કડક કાર્યવાહી કરે.

You might also like