દેશમાં પ્રથમ ગોલ્ડ એક્સચેન્જ શરૂ થશે?

મુંબઇ: સ્થાનિક જ્વેલરી મેન્યુફેક્ચરર્સને હાલ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર નિર્ભર રહેવું પડે છે. આ જ્વેલર્સ સોનું સ્થાનિક સ્તરે પારદર્શી ભાવે ખરીદી શકે તે માટે સરકાર ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરી
શકે છે.

નાણાં વિભાગમાં આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસે કહ્યું કે આ એક વિચાર છે. દેશમાં ગોલ્ડ એક્સચેન્જ માટે વિચાર કરી શકાય, જ્યાં પારદર્શી રીતે કારોબાર થાય. એક એવો મંચ કે જેની પાસે વધારાનું સોનું છે તેઓ જરૂરિયાતવાળાને વેચી શકે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશન દ્વારા આયોજિત સંમેલનમાં દાસે વધુમાં જણાવ્યું કે જ્વેલરી મેન્યુફેક્ચરર્સને સોનાની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય છે. આ પ્રકારના પ્લેટફોર્મ થકી સ્થાનીક લેવલે પણ તેઓ ખરીદી શકે.

નોંધનીય છે કે સ્થાનિક જ્વેલર્સ મોટા પ્રમાણમાં અમેરિકા અને યુરોપમાં જ્વેલરીની નિકાસ કરે છે અને તેના માટે સોનાની આયાત ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. આવા સંજોગોમાં આ પ્રકારનું પ્લેટફોર્મ ઊભું કરાય તો સ્થાનિક જ્વેલર્સને આ પ્લેટફોર્મ થકી જરૂરિયાત મુજબનું સોનું સરળતાથી સુલભ બને.

ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાછલા કેટલાય સમયથી સોનું સરળતાથી સુલભ બને તે માટે માગ કરી રહ્યા છે.

You might also like