સરકાર શહીદો અને દેશદ્રોહીઓની યાદી જાહેર કરે: સીઆઈસી

નવી દિલ્હી: દેશભક્ત અને રાષ્ટ્ર વિરોધી જેવી બાબતોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માહિતી આયોગે (સીઆઈસી) ગૃહમંત્રાલયને એવા લોકોની યાદી જાહેર કરવા કહ્યું છે કે જેઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં તેમજ દેશદ્રોહના કેસમાં સંડોવાયેલા હોય. સીઆઈસીએ આ આદેશ મુરાદાબાદ સ્થિત પવન અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી અરજી પર કર્યો છે. પવન અગ્રવાલે આરટીઆઈ હેઠળ વડા પ્રધાનના કાર્યાલય પાસે જેમને શહીદ અને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવામાં આવ્યા હોય એવા લોકોની યાદી તૈયાર કરી છે. ત્યાર બાદ આ અરજી વડા પ્રધાનના કાર્યાલયે ગૃહમંત્રાલયને મોકલી આપી હતી.

ગૃહ મંત્રાલયે આ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે દેશભક્તો, શહીદો અને રાષ્ટ્ર વિરોધીઓનું વર્ગીકરણ કરી શકાય એવી કોઈ યાદી ઉપલબ્ધ નથી. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ માપદંડોના આધારે કોઈ વ્યક્તિને દેશભક્ત, દેશદ્રોહી કે શહીદ તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અથવા તો આવા લોકોની કેટેગરી અંગે કોઈ ડેટા રાખવામાં આવતો નથી.

માહિતી કમિશનર સુધીર ભાર્ગવે આદેશમાં જણાવ્યું છે કે આરટીઆઈ એક્ટ ૨૦૦૫ની જોગવાઈ હેઠળ એક જાહેર પ્રાધીકરણ એવી માહિતી આપવા માટે જવાબદાર છે. જેનો કોઈ રેકોર્ડ હોય. અરજદાર પવન અગ્રવાલે માહિતી કમિશનર સુધીર ભાર્ગવ સમક્ષ સુનાવણી દરમિયાન એવો દાવો કર્યો છે કે કેટલાય લોકો વિરુદ્ધ દેશદ્રોહના કેશ દાખલ કરવામાં આવ્યા છે. પવન અગ્રવાલનું કહેવું છે કે ગૃહ મંત્રાલય પાસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો રેકોર્ડ હોવો જોઈએ. બીજી બાજુ મંત્રાલયના સ્વાતંત્ર સેનાનીઓ સંબંધિત વિભાગ પાસે પણ સ્વાતંત્ર સેનાનીઓ અને શહિદો સંબંધિત જાણકારી હોવી જોઈએ.

You might also like