એપ્રિલ-૨૦૧૬થી જીએસટી બિલનો અમલ કરવો મુશ્કેલઃ સરકાર

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ અંગે કોંગ્રેસનો ઠંડો રિસ્પોન્સ મળતાં હવે આગામી ૧ એપ્રિલ, ૨૦૧૬થી જીએસટી લાગુ થાય તેવી શક્યતા ઓછી છે. તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણીઓ પણ એવું જણાવી રહ્યા છે કે આગામી ૧ એપ્રિલ, ૨૦૧૬ની સરકારે આપેલી સમય મર્યાદામાં જીએસટીની અમલવારી થાય તેવી કોઇ શક્યતા નથી. સરકાર હવે આગામી વર્ષની શરૂઆતમાં બજેટ સત્રનાં બીજા સેશનમાં જીએસટી બિલ પાસ કરવા ફરી એક વાર પ્રયાસ કરશે, જોકે આ સમયગાળા દરમિયાન બિલમાં ખાસ કોઇ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ શાસક પક્ષને આશા છે કે એપ્રિલમાં સરકારની રાજ્યસભામાં સભ્યોના નંબરને મામલે સ્થિતિ થોડી સારી થશે. કોંગ્રેસના કેટલાક સભ્યો એપ્રિલ સુધીમાં રાજ્યસભામાંથી રિટાયર્ડ થઇ જશે, જેને પગલે કોંગ્રેસની રાજ્યસભામાં રાજકીય તાકાત ઘટી જશે. આમ, સરકાર જીએસટીની અમલવારીને લઇને ૧ એપ્રિલ, ૨૦૧૬ની ડેડલાઇન ચૂકી જાય તેવા સ્પષ્ટ સંકેતો વરતાઇ રહ્યા છે, જ્યારે જૂન બાદ જીએસટી લાગુ થઇ શકે છે.

You might also like