સરકાર આ સપ્તાહે સંસદમાં બાર વિધેયકો પાસ કરાવવા માગે છે

નવી દિલ્હી: જેએનયુમાં દેશદ્રોહના કેસને લઈને સંસદમાં ચાલતા હંગામા વચ્ચે રાજ્યસભામાં ત્રણ વિધેયકો પાસ કરાવવા સરકાર આતુર છે. હવે સરકારનો એજન્ડા આ સપ્તાહમાં ઓછામાં ઓછા આ ૧૨ વિધેયકો પાસ કરાવવાનો છે.

સરકારે આ વિધેયકોની એક યાદી તૈયાર કરી લીધી છે. વિધેયકો ગૃહમાં રજૂ કરીને કેન્દ્ર કોંગ્રેસ પર વૈધાનિક કામગીરીને પ્રભાવિત નહીં કરવા દબાણ ઊભું કરશે. આ ઉપરાંત સરકાર એવો સંદેશ આપવા માગે છે કે તે આ કાર્યને લઈને ગંભીર છે. રાજ્યસભા દ્વારા જે વિધેયકો પાસ કરવામાં આવ્યા છે તે રૂટિન બિલ છે. તેમાં ચૂંટણી કાયદા સુધારા વિધેયકો પણ સમાવેશ થતો હતો. જેનો હેતુ બાંગ્લાદેશથી ભારતમાં આવેલા શરણાર્થીઓને મતાધિકાર આપવાનો છે.

સરકાર તરફથી રજૂ કરાયેલા આ ત્રણ વિધેયકોને વિરોધ પક્ષનો સંપૂર્ણ ટેકો પ્રાપ્ત હતો. સરકારે હવે આ સપ્તાહ માટે પાંચ વિધેયકો રાજ્યસભામાં અને સાત વિધેયકો લોકસભામાં પાસ કરાવવા માટે રજૂ કર્યા છે. લોકસભામાં રજૂ કરાયેલા સાત વિધેયકોમાંથી ચાર વિધેયકો બજેટ સંબંધિત છે. સરકારને આશા છે કે આ વિધેયકો પસાર કરાવવામાં કોઈ અવરોધ ઊભો કરાશે નહીં.

જોકે આધાર બિલ પર આવીને વાત અટકી શકે છે. કારણ કે કોંગ્રેસની એવી માગણી છે કે ગૃહમાં પાસ કરાવવા માટે રજૂ કરતા પહેલા આ વિધેયક સંસદ સમિતિ સમક્ષ મોકલવું જોઈએ. સરકાર આ વિધેયકને પસાર કરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તેને મની બિલની જેમ પાસ કરાવવાની યોજના છે.

You might also like