સરકારી જમીન પર વર્ષોથી કબજો કરનાર લોકો ૧૦ હજાર ભરવા પણ તૈયાર નથી

અમદાવાદ: યુએલસી (અર્બન લેન્ડ સીલિંગ)ની ફાજલ જમીનોમાં બાંધવામાં આવેલા ગેરકાયદે રહેણાક મકાનોને કાયદેસર કરી દેવાની યોજનાને નબળો પ્રતિસાદ મળતાં તેમાં ૪પ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે આ કરોડોની જમીનમાં ખડકાયેલાં ગેરકાયદે મકાનોને કાયદેસર કરવા ડિસેમ્બર-૧૬થી આ યોજના અમલી કરી છે. જેને વધારીને હવે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવી છે. શહેરની વચ્ચે આવેલા પોશ વિસ્તારોમાં પણ થયેલા આવાં દબાણ માટે માત્ર ૧૦થી રપ હજારની મામૂલી પ્રિમિયમની રકમ પણ રહેવાસીઓએ ભરવા માટે તૈયારી ન દર્શાવતાં છેવટે સરકારે મુદત વધારીને સમજાવટના પ્રયાસ હાથ ધર્યા છે.

અમદાવાદ શહેરમાં યુએલસીની જમીનમાં બાંધવામાં આવેલા રપ હજાર જેટલાં રહેણાક મકાનો માટે તંત્ર પાસે હજુ પૂરતાં પ્રમાણમાં અરજીઓ આવી નથી. જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા આવી વસાહતોમાં ફરીને લોકોને સમજાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પણ તેને હજુ ખાસ સફળતા મળતી નથી. તમામ મહાનગર પાલિકાઓનાં આ યોજના પ્રત્યે લોકો નિષ્ક્રિય રહેતાં તેની મુદતમાં વધારો કરાયો છે. અંદાજે ૩૬૯૪ એકર જમીન યુએલસી હેઠળ રાજ્યમાં આવેલી છે.

અમદાવાદ શહેરમાં જુદા જુદા હાઇકોર્ટ – એસ.જી. હાઇવે, મેમનગર, નરોડા, નારોલ, વટવા, સરખેજ, વાસણા, નારણપુરા સહિતના વિસ્તારોમાં રપ હજાર બાંધકામો તેમજ અંદાજે પ૦૦થી વધુ સોસાયટીની અંદાજે ૩.પ૦ કરોડ ચોરસ મીટર જમીન અંગે સરકારમાં રિપોર્ટ કરાયો હતો સાથે સાથે તમામ મહાનગરપાલિકાઓ પાસેથી પણ આ પ્રમાણેની વિગતોની માગણી કરાઇ હતી.

સરકારે આ બાંધકામો માટે યોજના જાહેર કરી દીધી છતાં લોકો તરફથી તેને કાયદેસર કરાવવા માટે યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારની યોજના મુજબ ૦૧-૦૧-ર૦૧૧થી જેમની પાસે યુએલસીની જમીનમાં રહેણાકનો કબજો છે. તે પોતાનું મકાન કાયદેસર કરાવી શકે છે.

જેમાં ૧૦૦ ચોરસ મીટર સુધીનાં બાંધકામ માટે ૧૦ હજાર અને વધુ જગ્યા હોય તો રૂ.રપ હજાર પ્રિમિયમ ભરીને મકાન કાયદેસર કરાવી શકે. તેઓ જે તે રકમનો પહેલો હપ્તો ભરે એટલે સર્વેયર દ્વારા જમીનનો સર્વે થાય અને અંતમાં જે પ્રિમિયમની રકમ નિશ્ચિત થાય તે અરજદારે ભરવાની રહે.

અરજદારના પ્રિમિયમથી જમા થયેલી રકમ લોક કલ્યાણ હેતુથી વપરાશે. શહેરના ૬ હજારથી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઇ શકે છે. શહેરમાં ખાલસા થયેલી લાખો ચોરસ મીટર જમીન પર કોમર્શિયલ- ઇન્ડસ્ટ્રિયલ અને રહેણાકનાં મકાનોનાં બાંધકામો થઇ ચુક્યાં છે.

કાયદેસર થનારી મિલકતોના માલિક તેના ૧પ વર્ષના વસવાટ પછી તે મિલ્કતનું વેચાણ કરી શકશે કુલ ૩ મહિનાનો સમય સમગ્ર યોજના માટે જાહેર કરાયો હતો. હવે તેની આખરી મુદત ૩૦ એપ્રિલ કરાઇ છે. આ મુદત ૧૪ માર્ચે મંગળવારે પૂરી થયેલી જાહેર કરાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like