મોટા લોકો સાથે ઓળખાણ છે, બંને ભાઈઓને સરકારી નોકરી અપાવી દઈશ

અમદાવાદ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે-આ કહેવત ચાંદખેડામાં રહેતા બે સગા ભાઇઓ માટે સાર્થક નીવડી છે. ઘાટલોડિયામાં રહેતા એક શખસે ચાંદખેડાની મહિલાને પોતાને મોટા મોટા લોકો સાથે ઓળખાણ છે, તમારા બંને છોકરાઓને સરકારી નોકરી અપાવી દઇશ કહી ટુકડે-ટુકડે રૂ.૧પ લાખ પડાવી લીધાની ફ‌િરયાદ ચાંદખેડા પોલીસમાં નોંધાઇ છે. પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ચાંદખેડાના આઇઓસી રોડ પર આવેલા શ્યામ બંગલોઝમાં પુષ્પાબહેન વિનોદભાઇ સોલંકી પોતાના બે પુત્ર સાથે રહે છે. ગત વર્ષ ર૦૧૪માં ઘાટલોડિયાના વિનાયક ફલેટમાં રહેતા પીયૂષભાઇ પ્રભુદાસભાઇ ચૌધરી સાથે તેઓને ઓળખાણ થઇ હતી.

પીયૂષભાઇએ મારે મોટા મોટા લોકો સાથે ઓળખાણ છે બંને ભાઈઓને સરકારી નોકરી અપાવી દઈશ, તેમ કહ્યું હતું. પુષ્પાબહેનના બંને પુત્રો જે પ્રાઇવેટ નોકરી કરે છે તેઅોને સરકારી નોકરી અપાવવા પેટે ટુકડે-ટુકડે રૂ.૧પ લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી.

પૈસા લીધા બાદ પીયૂષભાઇએ કોઇ પણ સરકારી નોકરી અપાવી ન હતી અને પૈસા પણ પરત કર્યા ન હતા, જેથી પુષ્પાબહેને આ અંગે પીયૂષભાઇ વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like